Tue Oct 06 2026

Logo

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ થયો, નડિયાદ અને માતર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

2026-09-19 21:25:00
Author: Vimal Prajapati
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ થયો, નડિયાદ અને માતર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આજ રોજ સવારે 6 વાગ્યા સુધીમાં કુલ એકંદર 31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88 ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

નડિયાદ તાલુકામાં સૌથી વધારે 2.4 ઇંચ વરસાદ ખાબક્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 224 તાલુકાઓમાં સરેરાશ 17.20 મિમિ વરસાદ થયો છે. આજની વાત કરવામાં આવે તો, આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધીમાં 59 તાલુકાઓમાં વરસાદ નોંધાય છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સૌથી વધારે 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે. તે પછી માતર તાલુકામાં 1.65 ઇંચ વરસાદ, ખેડા તાલુકામાં 1.26 ઇંચ વરસાદ, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 1.18 ઇંચ અને આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે. 

7 તાલુકાઓમાં એક ઇંચથી લઈને 2.4 ઇંચ વરસાદ નોંધાયો

આ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 5 જિલ્લાઓના 7 તાલુકાઓમાં એક ઇંચથી લઈને 2.4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. 51 તાલુકાઓમાં એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યામાં આજે મહેસાણા જિલ્લાના ખાનપુર, ખેરાલુ ઊંજા અને મહેસાણા તાલુકો, વલસાડ જિલ્લાના કપરાડા અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સૌથી ઓછો માત્ર 0.04 ઇંચ વરસાદ થયો છે. 

અત્યારે જળાશયો અને ડેમની સ્થિતિ કેવી છે?

સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ 30 ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે, ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૭૩ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે ૪૫ ડેમ હાઇ એલર્ટ, ૧૩ ડેમ એલર્ટ અને ૧૦ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.