અમદાવાદઃ ગુજરતમા આખો જુલાઈ મહિનો ચોમાસું રહ્યું. એક જ મહિનામાં લગભગ 65 ટકાથી વધુ વરસાદ વરસી ગયો. અમુક જિલ્લામાં 80થી 100 ટકા વરસાદ વરસી ગયો છે. જુલાઈ મહિનામાં બે વાર રાજ્યના ઘણા જિલ્લા-તાલુકામાં પુર જેવી સ્થિતિ હતી અને અમુક તાલુકા-શહેરોમાં એક દિવસમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી ગયો તેમ પણ બન્યું હતું. જોકે રાજ્યમાં વરસાદે સમાનતા ન જાળવતા અમુક જિલ્લાઓ પર ભારે હેત વરસાવ્યું હતું જ્યારે અમુક જિલ્લાઓ કોરા રહી ગયા હોય તેમ વરસાદના આંકડા પરથી જણાઈ રહ્યું છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુજ જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતો સહિત સામાન્ય જનતા પણ આકાશ તરફ મીટ માંડીને બેઠી છે. સૌથી ઓછો વરસાદ જગતમંદિર માટે પ્રસિદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે. અહીં માત્ર 6.29 ટકા વરસાદ થયો છે. સ્થાનિક તંત્રએ નર્મદાના પાણીની સિંચાઈ માટે વ્યવસ્થા કરવાની વાત કરી છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય જનતા વરસાદ માટે પ્રાર્થના કરી રહી છે. તો આવી જ સ્થિતિ જામનગર જિલ્લાની છે. અહીં 28.53 ટકા જ વરસાદ 8 ઓગસ્ટ સુધીમાં નોંધાયો છે. બીજા દરિયાકાંઠાના જિલ્લા પોરબંદરમાં 17.61 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં પણ માત્ર 29.5 ટકા વરસાદ નોંધાયો હતો. તો ઘણા એવા જિલ્લા છે જ્યાં હજુ સુધી સિઝનનો અડધો એટલે કે 40થી 50 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા અમુક દિવસોથી વરસાદ લગભગ ગાયબ છે. અગાઉ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અમુક જ જિલ્લામાં સારો વરસાદ વરસે, તેવી સંભાવના છે. હાલમાં માત્ર છુટા-છવાયા ઝાંપટાની સંભાવના છે. રાજ્યના અમુક તાલુકામાં 10થી 30 ટકા વરસાદ જ નોંધાયો છે.
જિલ્લાવાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 84.88, ખેડા જિલ્લામાં 90.21, આણંદ જિલ્લામાં 88.36, વડોદરા જિલ્લામાં 54.61 ટકા, છોટા ઉદેપુર 44.28, પંચમહાલ જિલ્લામા 67.30, મહિસાગર જિલ્લામાં 62.93, દાહોદમાં 41.62, સુરેન્દ્રનગરમાં 81.23, રાજકોટમાં 46.25, મોરબીમાં 78.41, જામનગરમાં 28.53 ટકા, દેવભૂમિ દ્વારકામાં 6.29, પોરબંદરમાં 17.61 ટકા, જૂનાગઢમાં 54.91 ટકા, ગીર-સોમનાથમાં 45.33 ટકા, અમરેલીમાં 72.46 ટકા, ભાવનગરમાં 68.94 ટકા, બોટાદમાં 67.27 ટકા, ભરૂચમાં 88.12 ટકા, નર્મદામાં 69.72 ટકા, તાપીમાં 79.63 ટકા, સુરતમાં 102.42 ટકા, નવસારીમાં 115.10 ટકા, વલસાડમાં 107.85 ટકા, ડાંગમાં 91.69 ટકા, 29.5, પાટણમાં 63.97 ટકા, કચ્છમાં 29.5 ટકા, બનાસકાંઠામાં 43.53 ટકા, વાવ-થરાદમાં 68.85 ટકા, મહેસાણામાં 58.30 ટકા, સાબરકાંઠામાં 39.73 ટકા, અરવલ્લીમાં 41.04 ટકા, ગાંધીનગરમાં 57.32 ટકા વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.
જોકે રાજ્યના ઘણા જળાશયો છલકાયા છે તે રાહતની વાત છે. આ સાથે આવનારા બે મહિનામાં વરસાદ ઘટ પૂરી કરે તેવી આશા સૌ કોઈ સેવી રહ્યા છે.
દરમિયાન હવામાન ખાતાની આગાહી અનુસાર બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં વરસાદની સંભાવના છે.