Thu Sep 17 2026

Logo

ઉષા તલરેજા ભાવનગરનાં નવા મેયર, આણંદમાં દીપિકા પટેલની પસંદગી

2026-05-28 11:37:00
Author: Mayur Patel
ઉષા તલરેજા ભાવનગરનાં નવા મેયર, આણંદમાં દીપિકા પટેલની પસંદગી

અમદાવાદઃ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ઉષા તલરેજાના નામની જાહેરાત કરાઈ છે જ્યારે આણંદનાં પહેલાં મેયર તરીકે દીપિકા પટેલના નામની જાહેરાત કરાઈ છે. 

ભાવનગરમાં કોની વરણી

આજે ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ હતી. જે મુજબ મેયર તરીકે ઉષાબેન તલરેજા,  ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, શાસક પક્ષના નેતા તરીકે  લાલભા વાળા તથા દંડક તરીકે રીંકુબેન માંગુકિયાના નામની જાહેરાત થઈ હતી.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52માંથી 44 સીટ પર કબજો કર્યો હતો. કૉંગ્રેસને 8 સીટ મળી હતી.

આણંદમાં કોના કોના નામ થયા જાહેર

આણંદ-કરમસદ મનપાના પ્રથમ મેયર પદે દિપીકાબેન પટેલની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી હતી. ડેપ્યુટિ મેયરના તરીકે કમલેશ ડાભી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથારના નામની જાહેરાત થઈ હતી.

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52માંથી 43 સીટ પર જીત મેળવી હતી. કૉંગ્રેસને 8 તથા અન્યને 1 સીટ મળી હતી.

ભાજપ દ્વારા આજે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના મેયર તરીકે  નેહલ શુક્લ જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળિયાના નામની જાહેરાત થઈ છે. 

વડોદરાના નવા મેયર તરીકે ગીતાબહેન મકવાણાની ભાજપે પસંદગી કરી હતી.  ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વર્ષાબહેન વ્યાસ અને દંડક તરીકે વિજય ચૌહાણના નામની જાહેરાત કરાઈ હતી.