અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપે 90 ટકા બેઠકો જીતી છે. જ્યારે વિપક્ષો 10 ટકામાં સમેટાયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા થયા હતા. આ બેઠકોમાંથી 736 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરિફ જાહેર થઈ હતી.
15 મહાનગરપાલિકાની 1,044 બેઠકમાંથી 937 બેઠક ભાજપે જીતી
આજે જાહેર થયેલા પરિણામોમાં તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો. ગાંધીધામ, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા વડોદરા, સુરત, આણંદ, નડિયાદ, નવસારી અને વાપીમાં 15 મહાનગરપાલિકાની કુલ 1,044 બેઠકમાંથી 937 બેઠક ભાજપે જીતી હતી અને 95 કૉંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે અન્યને 12 બેઠક મળી હતી.

સુરત મનપામાં ભાજપે 115 અને અમદાવાદમાં 160 બેઠક જીતી
સુરત મનપામાં ભાજપે 120માંથી 115 જીતી હતી. ચાર બેઠક આમ આદમી પક્ષને ફાળે ગઈ હતી જ્યારે કૉંગ્રેસને ફાળે એક બેઠક પણ આવી ન હતી. સુરતનું પરિણામ આપ માટે ઝટકા સમાન હતું કારણ કે ગત ચૂંટણીમાં પક્ષે 27 બેઠક મેળવી હતી. જ્યારે ભાજપનો ગ્રાફ વધીને 93થી 115 સુધી ગયો છે. ગુજરાતના સૌથી મહત્વના ગણાતા શહેર અમદાવાદમાં પણ ભાજપે સત્તા જાળવી રાખી છે. જેમાં 192 બેઠકમાંથી ભાજપની 160 અને કૉંગ્રેસની 32 બેઠક પર જીત મેળવી છે.
84 નગરપાલિકામાં 78માં ભાજપની જીત નોંધાઈ
આ ઉપરાંત રાજ્યમાં 84 નગરપાલિકાની 2624 બેઠકની ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા હતા. જેમાં 1976 પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે કૉંગ્રેસ 484 બેઠક પર જીત મેળવી શકી છે તો 164 બેઠક અન્ય પક્ષોને ફાળે ગઈ છે. કુલ 78 નગરપાલિકા પર ભાજપની જીત નોંધાઈ હતી જ્યારે 6 પર કૉંગ્રેસને જીત મળી છે.
34 જિલ્લા પંચાયતોમાંથી 33માં ભાજપનો વિજય
34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકમાં 890 બેઠક પર ભાજપ, કૉંગ્રેસ 136 અને અન્ય પક્ષોને ફાળે 62 બેઠક મળી છે. જેમાં 33 પર ભાજપે જીત મેળવી છે જ્યારે એક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

તાલુકા પંચાયતમાં 260 બેઠકમાંથી 253 પર ભાજપનો ભગવો લહેરાયો
તેમજ 260 તાલુકા પંચાયતની 5234 બેઠકના પરિણામો અંગે મળતા આંકડા અનુસાર ભાજપ 3524, કૉંગ્રેસ 999 અને અન્ય પક્ષોને ફાળે 471 બેઠક ગઈ હતી. 260 બેઠકમાંથી 253 પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે સાત બેઠક આપ અને કૉંગ્રેસને મળી છે.