ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટ આપવામાં આવી હતી. પક્ષપલટો, ટિકિટ માટે નારાજગી, પોતાના માનીતાને ટિકિટ અપાવવા લોબિંગ કર્યું હતું, જેના કારણે ભાજપના મહાનગરના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ થયો હતો.
અમદાવાદમાં 60 ટકાથી વધુ કોર્પોરેટરો કપાયા
ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા અમદાવાદની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા. અમદાવાદમાં ઘણા કોર્પોરેટરને પાર્ટીએ રિપીટ કર્યાં છે. ભાજપે અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવાર જાહેર કર્યાં હતા. રાજ્યમાં મીનિ વિધાનસભા ગણાતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માટે ભાજપે નો રિપીટ થીયરી અપનાવતા 60 ટકાથી વધુ કોર્પોરેટરોને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે દેવાંગ દાણી અને હિતેશ બારોટ સહિતના કેટલાક સીનિયરને રિપીટ કરાયા છે.જો કે 192 ઉમેદવારોની યાદીમાં ભાજપે મહિલાઓ અને યુવાઓ-નવા ચહેરાઓને તક આપી છે અને કુલ 192 ઉમેદવારોમાં 90 મહિલાઓ છે.
નવા ચહેરાઓ અને યુવાઓને તક
ભાજપ દ્વારા જાહેર કરાયેલી અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણીની ઉમેદવારોની યાદીમાં 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોમાં 35 થી40 જેટલા ઉમેદવારો રીપિટ છે એટલે કે અગાઉની ટર્મમાં કોર્પોરેટર રહી ચુક્યા છે. જોકે 60 ટકાથી વધુ એટલે કે 120થી વધુ કોર્પોરેટર રિપિટ કરવામાં આવ્યા નથી. ભાજપે આ વખતે નવા ચહેરાઓ અને યુવાઓને તક આપી છે. કેટલાક વોર્ડમાં આખી પેનલ જ બદલી નાંખવામાં આવી આવી હતી. આ ઉપરાંત વસ્ત્રાલ, ઘાટલોડિયા, થલતેજ, નરોડા, સરદારનગર, નારણપુરા સહિતના ઘણા વોર્ડમાં ચારમાંથી ત્રણની ટિકિટ કાપી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/UT3VGthxYO
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
સુરતમાં 107 ઉમેદવારો થયા જાહેર
ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગર પાલિકા માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. સુરતમાં ભાજપે વોર્ડ નંબર-3મા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને ટિકિટ આપી છે. સુરતમાં ભાજપે 120 બેઠક પૈકી કુલ 107 ઉમેદવારો જાહેર કર્યાં હતા. જે પૈકી 31ને રિપિટ કરવામાં આવ્યા હતા. મેયર દક્ષેશ માવાણી, રાજન પટેલને રિપિટ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના નવા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી હતી. ત્રણ ટર્મ ચૂંટણી લડી ચુકેલા અને 60 વર્ષની વય પાર કરી ગયેલા ઉમેદવારોની બાદબાકી કરવામાં આવી હતી.
સુરતમાં ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ખેચતાણ થતા મામલો ગુચવાયો હતો. આ સાથે ભાજપનો જુથવાદ પણ સપાટી પર
જોવા મળ્યો હતો. પાર્લામેન્ટરી બોર્ડમાં ચાલેલી મેરેથોન ચર્ચા બાદ પ્રદેશ ભાજપ દ્વારા મોડીરાત્રે સુરત મનપાની 120 બેઠકો પૈકી 107 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા 77 જેટલા નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જયારે 30 જેટલા કોર્પોરેટરના રિપીટ કરવામાં આવ્યા હતા.
સુરતમાં કોણ કોણ કપાયું
ત્રણ ટર્મ તેમજ વય મર્યાદાના ક્રાઈટેરીયાને પગલે રાકેશ માળી, હેમાલી બોઘાવાલા, કેતન મહેતા, દિનેશ જોધાણી, નરેશ ધામેલીયા, કનુ પટેલ, બસુ જગરૂ પટેલ, વિનોદ પટેલ અને નાગર પટેલ સહીતના સિનિયર સભ્યોની ટીકીટ કપાઈ ગઈ હતી. કતારગામના વોર્ડ -નં 8 (ડભોલી-સિગણપોર) બેઠકના કોર્પોરેટર ચિમન પટેલની ટિકિટ કપાઈ હતી. જયારે બેઠકનું રોટેશન બદલાવાને કારણે કૃણાલ સેલર, કેયુર ચપટવાલા, નરેન્દ્ર પાંડવ સહિતના કોર્પોરેટરોની બાદબાકી થઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/D8yYm8Mhvy
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026