કચ્છમાં અંજારના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટથી ગુમ થયેલા લખુભાઈ હુંબલની કરપીણ હત્યા કરાઈ હતી. જેનો ભેદ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પાડોશમાં રહેતા શખ્સે જ પત્ની સાથેના પ્રેમસંબંધની શંકાના આધારે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અનૈતિક પ્રેમસંબંધ અને હત્યા
પોલીસ તપાસ અનુસાર, મૃતકની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ ઠાકોરને છેલ્લા દોઢેક વર્ષથી અનૈતિક પ્રેમસંબંધ હતો. આ બાબતની શંકા મૃતક લખુભાઈને ગઈ હતી. પોતાની પોલ ખુલી જવાના અને હત્યા થઈ જવાની દહેશતથી આરોપી દિનેશે લખુભાઈને પોતાના ઘરે બોલાવ્યા હતા અને તકનો લાભ લઈને માથામાં લોખંડનો રોડ ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી.
પુરાવાનો નાશ કરવા ચાલાકી વાપરી
હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીએ ભારે ચાલાકી વાપરી હતી. તેણે સૌપ્રથમ મૃતકનો મોબાઈલ વરસામેડી હાઈવે રોડ પર સામેની બાજુએ કાચા રસ્તા પર ફેંકી દિધો હતો. ત્યારબાદ પુરાવા નાશ કરવા માટે હેક્સો બ્લેડથી મૃતદેહના બે ટુકડા કરી, તેને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને નજીકના તળાવમાં ફેંકી દીધા હતા.
લખુભાઇ પરત ન ફરતા ફરિયાદ નોંધાવી
હત્યા બાદ તપાસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ મૃતકનો મોબાઇલ ફોન પણ અન્ય સ્થળે ફેંકી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મોબાઇલ વરસામેડી હાઇવેની સામેના કાચા રસ્તા નજીક ફેંકવામાં આવ્યો હતો. 31 ઓગસ્ટની રાત્રે લખુભાઈ ખેતરમાં દેખરેખ માટે ગયા હતા, પરંતુ ઘરે પરત ફર્યા ન હતા. ત્યારબાદ તેમના ભાઈ દેવજીએ 1 સપ્ટેમ્બરના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્યારથી જ ટેકનિકલ તપાસ અને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી હતી.
બાતમીના આધારે આરોપી પકડાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી દિનેશ ઠાકોરને ઝડપી પાડીને કાયદેસરની ધરપકડ કરી છે અને આગળની વધુ તપાસ શરૂ કરી છે.