Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં ઓટો રિક્ષાચાલકોના આંદોલનની અસર, 28 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સરકાર સાથે મહત્વની બેઠક

2026-09-24 22:19:16
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં ઓટો રિક્ષાચાલકોના આંદોલનની અસર, 28 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સરકાર સાથે મહત્વની બેઠક

અમદાવાદ: ગુજરાતના ઓટો રિક્ષા ચાલકોના હિત અને રોજગારીના પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે  વાહનવ્યવહાર કમિશનર કચેરી તરફથી ઑટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન અને સરકાર વચ્ચે 28 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજનારી છે.  

બેઠકમાં  મહત્વની રજૂઆત અંગે ચર્ચા 

આ બેઠકમાં ગુજરાતના ઓટો રિક્ષા એસોસિએશનો તેમજ ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ અંગે ઓટો રિક્ષા ચાલકોએ રજૂઆત કરી હતી. તેમજ સરકાર દ્વારા ઓટો રિક્ષા માટે નક્કી કરવામાં આવેલા ભાડા મુજબ મુસાફરીનું યોગ્ય ભાડું મળતું નથી. તેમજ અનેક ઓનલાઇન એગ્રીગેટર એપ્લિકેશન મારફતે બુકિંગમાં ચાલકોને સરકારના નિર્ધારિત ભાડાની સરખામણીમાં આશરે 50  ટકા સુધી ઓછું ભાડું લેવામાં આવે છે. 

ટુ-વ્હીલર વાહનોના વ્યવસાયિક ઉપયોગ અંગે પણ રજૂઆત 

આ ઉપરાંત ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓ સાથે સંકળાયેલા નોન-ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ-વ્હીલર વાહનોના વ્યવસાયિક ઉપયોગ અંગે પણ ઓટો રિક્ષા ચાલકો દ્વારા લાંબા સમયથી વાંધો અને રજૂઆતો કરવામાં આવી રહી છે.

રિક્ષા ચાલકોની રોજગારી ઉપર સીધી અસર 

ઓટો રિક્ષા ચાલકોનું કહેવું છે કે તેઓ સરકારના નિયમો મુજબ પરમિટ, લાઇસન્સ, ટેક્સ, વીમો, મીટર સહિતની જવાબદારીઓ નિભાવીને વ્યવસાય કરે છે, ત્યારે નોન-ટ્રાન્સપોર્ટ વાહનોના વ્યવસાયિક ઉપયોગથી નિયમોનું પાલન કરતા ઓટો રિક્ષા ચાલકોની રોજગારી ઉપર સીધી અસર પડે છે.

યોગ્ય અને નિર્ધારિત ભાડું મળે તેની વ્યવસ્થા કરવી

આ અંગે યુનિયન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. જેમાં  સરકાર દ્વારા નક્કી કરાયેલ ઓટો રિક્ષા ભાડાનો સંપૂર્ણ અમલ કરાવવો. તેમજ ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓ દ્વારા ચાલકોને યોગ્ય અને નિર્ધારિત ભાડું મળે તેની વ્યવસ્થા કરવી.

સ્પષ્ટ નિયમો અને અસરકારક અમલની વ્યવસ્થા કરવી

તેમજ  નોન-ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર વાહનોના વ્યવસાયિક ઉપયોગ અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવી. નિયમોનું પાલન કરી રોજગાર કરતા ઓટો રિક્ષા ચાલકોના હિતોનું રક્ષણ કરવું. એગ્રીગેટર કંપનીઓની કામગીરી અંગે સરકાર દ્વારા સ્પષ્ટ નિયમો અને અસરકારક અમલની વ્યવસ્થા કરવી.

અસરકારક કાર્યવાહી કરવામાં માંગ 

એસોસિએશન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે  કે સરકાર તથા વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઓટો રિક્ષા ચાલકોની સમસ્યાઓને ગંભીરતાથી લઈ સરકારના નિર્ધારિત ભાડાનો અમલ અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનોના વ્યવસાયિક ઉપયોગ અંગે યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.