Tue Oct 06 2026

Logo

મુંદરાના ચાર ધાર્મિક સ્થળોના ડિમોલિશન સામે હાઇકોર્ટનો સ્ટે, 90 દિવસની અપીલ મર્યાદા સુધી કાર્યવાહી પર રોક

2026-08-06 14:37:10
Author: Vimal Prajapati
મુંદરાના ચાર ધાર્મિક સ્થળોના ડિમોલિશન સામે હાઇકોર્ટનો સ્ટે, 90 દિવસની અપીલ મર્યાદા સુધી કાર્યવાહી પર રોક

ભુજઃ બંદરીય મુંદરા તાલુકામાં આવેલા ચાર ધાર્મિક સ્થળોને તોડી પાડવાના ચર્ચાસ્પદ મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ડિમોલિશનની કાર્યવાહી પર મનાઈહુકમ ફરમાવ્યો છે. અદાલતે સ્પષ્ટતા કરી હતી કે, અરજદારોને કાયદાકીય રીતે અપીલ કરવાનો મૂળભૂત અધિકાર છે. તેથી અપીલ માટેની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ ન થાય અથવા સક્ષમ અપીલ સત્તાધિકારી દ્વારા આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ ધાર્મિક સ્થળો સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરી શકાશે નહીં.

મળતી માહિતી પ્રમાણે, મુંદરાના મામલતદાર દ્વારા આ ચાર ધાર્મિક સ્થળોનું બાંધકામ માત્ર પાંચ દિવસની ટૂંકી મુદતમાં સ્વેચ્છાએ દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને કાયદાની ભાવના વિરુદ્ધ ગણાવી અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આવા વહીવટી આદેશો સામે અપીલ કરવા માટે કાયદાકીય રીતે 90 દિવસની સમયમર્યાદા મળવાપાત્ર છે, પરંતુ મામલતદારે માત્ર પાંચ દિવસનો સમય આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કર્યો છે.

ન્યાયમૂર્તિ અનિરુદ્ધ પી. મયીએ બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ અરજદારોની તરફેણમાં મનાઈહુકમ આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીના જણાવ્યા મુજબ વિગતવાર કાનૂની લડાઈ માટે 'એપીસીઆર ગુજરાત' દ્વારા કાનૂની સહાય અને કોર કમિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. કમિટીના મોહસીન હિંગોરજાએ હાઇકોર્ટના આ નિર્ણયને આવકારીને તેને 'કાયદાના શાસન' અને બંધારણીય અધિકારોની પુનઃસ્થાપના તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)