Thu May 07 2026

Logo

અમદાવાદમાં હિંદુ યુવકને બાંગ્લાદેશી ધૂસણખોર યુવતી સાથે પ્રેમ થયો, લગ્ન કર્યાં, સંતાન થયું ને...

2026-05-07 15:15:00
Author: Vimal Prajapati
Article Image


અમદાવાદ: અમદાવાદમાં રહેતા એક હિંદુ યુવકે પોતાની પત્ની અને 7 મહિનાના માસૂમ બાળકને પરત મેળવવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. યુવકે 'હેબિયસ કોર્પસ' અરજી દાખલ કરી આક્ષેપ કર્યો હતો કે તેના પરિવારને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્યો છે. જોકે, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જે ખુલાસો કર્યો તેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે.

યુવકે 'હેબિયસ કોર્પસ' અરજી દાખલ કરી

મૂળ વિવાદ એ છે કે, અરજદારની પત્ની મૂળ બાંગ્લાદેશી નાગરિક છે. ભરૂચમાં નોંધાયેલી એક FIR મુજબ, એક આરોપી દ્વારા અન્ય મહિલાઓની સાથે આ યુવતીને પણ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવી ભારતમાં લાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે યુવતી માનવ તસ્કરીનો ભોગ બની હતી પરંતુ તે આરોપીના ચુંગલમાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. એટલે મહિલાની હિલચાલ ઉપર ફોરેનર્સ અને ઈમીગ્રન્ટસ સંબંધિત કાયદાઓ હેઠળ કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી બંધારણના આર્ટિકલ 21ના ભંગનો પ્રશ્ન ઊભો થતો નથી. 

લગ્ન અને 7 મહિનાનું બાળક

આરોપી પાસેથી છૂટ્યા બાદ યુવતી અમદાવાદના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને ત્યારબાદ તેઓએ લગ્ન કરી લીધા હતા. આ લગ્નજીવનથી તેમને 7 મહિનાનું એક બાળક પણ છે. હાલમાં માતા અને બાળક બંને સરકારના સંરક્ષણ ગૃહમાં છે. સરકારી વકીલની દલીલ એવી છે કે, મહિલા વિદેશી નાગરિક હોવાથી અને ગેરકાયદે ભારતમાં પ્રવેશી હોવાથી 'ફોરેનર્સ એક્ટ' હેઠળ તેની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો કાયદેસર છે. આમાં આર્ટિકલ 21 નો ભંગ થતો નથી.

આ કેસમાં અરજદારના વકીલે 7 મહિનાના બાળકના ભવિષ્ય અને માનવતાવાદી અભિગમ અપનાવવા કોર્ટને વિનંતી કરી છે. હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી વેકેશન બાદ મુલતવી રાખી છે. ત્યાં સુધી યુવતી અને બાળકની હિલચાલ પર પ્રતિબંધ યથાવત્ રહેશે, જોકે પરિવારજનોને મળવાની મંજૂરી અગાઉની જેમ ચાલુ રહેશે.