અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વધુ એક મહત્તવનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે એક વ્યક્તિને તેના 5 વર્ષના પુત્રનો કબજો કેનેડામાં રહેતી પત્નીને સોંપવા આદેશ કર્યો હતો. હાઈ કોર્ટે પિતા પાસે બાળકના કબજાને ગેરકાયદેસર ગણાવ્યો હતો. પિતા તેના પુત્રને માતાની પરવાનગરી વગર કેનેડાથી ભારત લઈને આવ્યો હતો.
શું કહ્યું હાઈ કોર્ટે
હાઈ કોર્ટે બાળકનો કબજો માતાને સોંપવાનો આદેશ કરતાં જણાવ્યું, બાળકનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો છે. આવા બાળકને ભારત જેવા દેશમાં લાવીને માતાથી દૂર રહેવા મજબૂર કરવો એ અમારા મતે બાળક માટે આઘાતજનક હોઈ શકે છે. બાળક જે વાતાવરણમાં ઉછર્યું છે, તેને બદલીને એક નવા અને અજાણ્યા વાતાવરણમાં મૂકવો યોગ્ય નથી.
શું હતો સમગ્ર કેસ?
આ કેસમાં દંપતીએ વર્ષ 2018માં ટોરન્ટોમાં લગ્ન કર્યા હતા અને 2020માં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. લગ્નજીવનમાં ખટરાગ થતા પતિએ ભારત પરત આવવાનું નક્કી કર્યું હતું. માર્ચ 2024થી બાળક તેની માતા સાથે રહેતું હતું. માતાએ પુત્રના વાલીપણાના અધિકારો માટે ઓન્ટારિયો કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી હતી અને બંને પક્ષો ત્યાં કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા.
ડિસેમ્બર 2025માં, પિતા માતાની પરવાનગી વિના બાળકને ભારત લઈ આવ્યો હતો. આથી માતાએ ગુજરાત હાઈ કોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. તેણે રજૂઆત કરી હતી કે કેનેડાની કોર્ટે તેને બાળકની કાયદેસરની રક્ષક જાહેર કરી હોવા છતાં, તેનો પતિ પરવાનગી વગર બાળકને ભારત લઈને જતો રહ્યો હતો.
પિતાનો બચાવ
પિતાએ કેનેડાની કોર્ટમાં સબમિટ કરેલી એક નોંધ રજૂ કરીને પોતાનો બચાવ કર્યો હતો. જેમાં તેણે દલીલ કરી હતી કે માતા સાથે કડવાશભર્યા સંબંધો વચ્ચે બાળકનો ઉછેર થાય તે તેના હિતમાં નથી. તેના બદલે બાળકનો ઉછેર હિન્દુ સાંસ્કૃતિક મૂલ્યો, ભારતીય પરંપરા, સંસ્કાર અને હિન્દુ ઓળખ સાથે થાય તે વધુ સારું છે.
હાઈ કોર્ટે શું કર્યું અવલોકન
હાઈ કોર્ટે આ બચાવને સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું કે, બાળકનો કબજો કાયદેસર રીતે માતા પાસે હતો. બાળકને માતાની મંજૂરી વગર કેનેડાથી ભારત લાવવામાં આવ્યું છે તેથી પિતા પાસે રહેલા બાળકનો કબજો ગેરકાયદેસર ગણવો પડશે. આ ઉપરાંત હાઈ કોર્ટે બાળકનું OCI કાર્ડ અને પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે અને બાળકનો કબજો માતાના માતા-પિતા (નાના-નાની) ને સોંપવા જણાવ્યું હતું. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, કેનેડામાં જીવનધોરણ ભારત કરતા દેખીતી રીતે સારું હશે. બાળકનો જન્મ અને ઉછેર ત્યાં થયો હોવાથી, તેની સામાન્ય જિંદગીમાં ખલેલ પહોંચાડી તેને અજાણી સંસ્કૃતિ અને નવા વાતાવરણમાં રાખવો તે બાળકના હિતમાં નથી.