Tue Jul 21 2026

Logo

સુરત ડીમોલિશનમાં સસ્પેન્ડ એન્જીનિયરે કોના આદેશથી ડીમોલિશન કર્યું હોવાનો કર્યો ધડાકો ?  હાઈ કોર્ટે શું કહ્યું ?

2026-07-21 11:50:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરતના વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન મામલે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. SMC દ્વારા સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યું છે. તેમણે કોર્ટ સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે કે ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા તેમણે પોતાની મરજીથી નહીં, પરંતુ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની સીધી સૂચના અને આદેશના આધારે કરી હતી. હાઈકોર્ટે અરજદારની અરજી સંદર્ભે કમિશનરનો જવાબ માંગ્યો છે.

તેઓએ કોર્ટમાં જણાવ્યું કે, આ ડિમોલિશન તેમણે SMC કમિશનર નાગરાજનના આદેશથી જ કર્યું હતું. કમિશનરને કોઈનો મેસેજ આવ્યો હતો, જે તેમણે સુજલ પ્રજાપતિને ફોરવર્ડ કરીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે 60 ફૂટનો TP રોડ બનાવવા માટે દબાણ ખુલ્લું કરવાની સૂચના આપી હતી.

કોઈ પણ ખાતાકીય તપાસ વગર સસ્પેન્ડ કરાયા

સુજલ પ્રજાપતિએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં સુરત મહાનગરપાલિકા અને કમિશનર નાગરાજનને પક્ષકાર બનાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે નિયમ મુજબ સસ્પેન્શનનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી લઈ શકે, પરંતુ તેમના કિસ્સામાં કમિશનરે કોઈ પણ પ્રકારની ખાતાકીય તપાસ પૂર્ણ કર્યા વિના સીધું સસ્પેન્શન કરી દીધું છે. 

અરજદારે કમિશનર સાથેની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ અને SMCના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ 'કેમ છો સુરત?' પર મૂકાયેલી ડિમોલિશનની રીલના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. 

અરજદાર તપાસમાં સહકાર નથી આપી રહ્યા

શરૂઆતમાં કામની પ્રશંસા કરાયા બાદ, મામલો હાઈકોર્ટમાં પહોંચતા કમિશનરે પોતાને બચાવવા માટે બધી જવાબદારી અરજદાર પર ઢોળી દીધી છે અને તપાસ કમિટી સમક્ષ સત્ય કહેવા છતાં કોર્ટમાં એવું ખોટું જણાવ્યું કે અરજદાર તપાસમાં સહકાર નથી આપી રહ્યા.

હાઈકોર્ટે કમિશનરનો જવાબ માંગ્યો

ડિમોલિશન પહેલાં જ વીજ કંપની ટોરેન્ટ પાવરને પાવર સપ્લાય કાપવા માટે SMC વિભાગ તરફથી કહી દેવાયું હતું, જે સાબિત કરે છે કે આ આયોજિત કામગીરી હતી. હાઇકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ સ્વીકાર્યું છે કે, કમિશનરે અરજદારને મેસેજ ફોરવર્ડ કર્યો હોય તેવું લાગે છે. હાઈકોર્ટે અરજદારની અરજી સંદર્ભે કમિશનરનો જવાબ માંગ્યો છે.