Sun Sep 13 2026

Logo

છૂટાછેડાના કેસમાં NRI પતિને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ, ગુજરાત હાઈ કોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો

2026-03-12 12:27:00
Author: Mayur Patel
છૂટાછેડાના કેસમાં NRI પતિને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ, ગુજરાત હાઈ કોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ટેકનોલોજીનો ન્યાયિક ઉપયોગ કર્યો હતો અને છૂટાછેડાના કેસમાં NRI પતિને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. તેમજ ઓનલાઈન કાઉન્સિલિંગની મંજૂરી આપી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. 

શું છે મામલો

આ કેસમાં દંપતીના લગ્ન એપ્રિલ 2024માં થયા હતા અને પતિ અમેરિકા પરત ફર્યો તે પહેલા તેઓ માત્ર છ દિવસ સાથે રહ્યા હતા. દંપતી વીડિયો કોલ અને વોટ્સએપ દ્વારા સંપર્કમાં હતું, પરંતુ સમય જતાં તેમની વચ્ચે મતભેદો વધ્યા હતા. બાદમાં તેઓએ અલગ થવાનું નક્કી કર્યું અને હિન્દુ મેરેજ એક્ટની કલમ 13B હેઠળ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે લગ્નજીવન દરમિયાન તેમની વચ્ચે કોઈ શારીરિક સંબંધો બંધાયા નહોતા.

ફેમિલી કોર્ટ એક્ટ મુજબ આવા મામલાઓમાં સમાધાનની કાર્યવાહી જરૂરી હોવાથી, પતિએ તેના પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વારા રૂબરૂ હાજરીમાંથી મુક્તિ આપવા અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રક્રિયામાં જોડાવા માટે અરજી કરી હતી. તેણે ફેમિલી કોર્ટને જણાવ્યું હતું કે તે અત્યારે અમેરિકા છોડીને ભારત આવવા સક્ષમ નથી.

નવેમ્બર 2025માં ફેમિલી કોર્ટે તેની વિનંતી ફગાવી દેતા જણાવ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવો એ અસરકારક ભાગીદારી ગણાશે નહીં. પતિએ ત્યારબાદ આ આદેશને ગુજરાત હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયિક કાર્યવાહીમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને હાઈ કોર્ટે જણાવ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિંગ અસરકારક અને કાર્યક્ષમ વિકલ્પ છે અને ન્યાયની પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેનો સ્વીકાર કરવો જોઈએ.

હાઈ કોર્ટે કહ્યું કે, વીડિયો કોન્ફરન્સિંગ એ એક એવી ટેકનોલોજીકલ સુવિધા છે જે અલગ-અલગ સ્થળોએ રહેલી વ્યક્તિઓને રૂબરૂ મીટિંગ કરવાની સુવિધા આપે છે. આ ટેકનોલોજીનો સમગ્ર વિશ્વમાં વ્યાપક ઉપયોગ થાય છે. વાસ્તવમાં, વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ ન્યાયિક કાર્યવાહી કાર્યક્ષમ રીતે અને બિનજરૂરી વિલંબ વગર પૂર્ણ થાય તેની ખાતરી કરે છે. અરજદાર પતિને માત્ર સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદેશથી પ્રવાસ કરવા દબાણ કરવું તે અન્યાયી અને ગેરવાજબી ગણાશે.

હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો અને હિન્દુ મેરેજ એક્ટની કલમ 13B હેઠળની અરજી સાથે આગળ વધવા અને પતિને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવા દેવા માટે નિર્દેશ આપ્યો હતો.