નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે. વરસાદના પાણીના લીધે મુંબઈ જેવા મહાનગરમાં રસ્તાઓ પર નદી વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે એક ખાસ રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
નવી દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં, હરિયાણામાં, પંજાબમાં તથા રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના આ રિપોર્ટ અનુસાર ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલી એક વેલ માર્ક લૉ પ્રેશર એરિયા સિસ્ટમની અસર થઈ શકે છે. આ કારણે ઓડિશાથી લઈને છત્તીસગઢ સુધીના રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદનું એલર્ટ
ગુજરાત રાજ્યમાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે. ખાસ કરીને દરિયાકિનારાના જિલ્લા તથા સૌરાષ્ટ્ર કચ્છમાં સતત વરસાદ પડી શકે છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલ્લભીપુર, શિહોર સહિત 8 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયા બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદે પાણી પાણી કરી દીધું હતું.
હવામાનની સ્થિતિને ધ્યાને લઈને 8 જુલાઈની રાત સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા, ભરૂચ,છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 6 જુલાઈએ સુરત સિટી, તાપી, નવસારી, ડાંગ, સાપુતારા તથા વલસાડ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 જુલાઈના રોજ સુરત, તાપી, ડાંગ અને નવસારી માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વલસાડ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 8 જુલાઈએ ભાવનગર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તંત્રને પણ અલર્ટ આપવામાં આવ્યું
નવી દિલ્હીમાં 4 જુલાઈથી 8 જુલાઈની સવાર સુધી વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હળવાથી ભારે વરસાદ પડશે. 4 જુલાઈએ બપોર સુધીમાં સમગ્ર દિલ્હીમાં વરસાદ થવાની પૂરી શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 50 કિમી/કલાક સુધીની રહી શકે છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે અને તાપમાનનો પારો નીચે ઊતરશે.
આ ચાર દિવસ દરમિયાન તાપમાન 35થી 37 ડિગ્રી સુધી રહી શકે છે. દેશના હવામાન વિભાગે એક એલર્ટ જાહેર કરતા કહ્યું હતું કે, નદીમાં પાણીનું સ્તર વધવાની પૂરી શક્યતાઓ છે. પહાડી વિસ્તારમાં ભૂસ્ખન થવાની પૂરી શક્યતાઓ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય એ માટે તંત્રને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લાઓમાં તથા રાજ્યમાં NDRFની ટીમને તૈયાર રાખવામાં આવી છે. રાજ્યોને પણ ખાસ પ્રકારની એડવાઈઝરી આપવામાં આવી છે. હવામાન વિભાગે ગોવા અને કોંકણ પ્રાંતમાં તથા મધ્ય મહારાષ્ટ્રમાં 4થી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હાઈવે પર જવાનું હોય તો સાવધાન
આ વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ શકે એટલો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગોવાને જોડતા રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ શકે છે. લોકલ ટ્રેન સર્વિસને અસર થવાની પૂરી શક્યતાઓ છે. આ વિસ્તારમાં 60 કિમી/કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. લોકોને દરિયાકિનારે ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. નવી દિલ્હીમાં રવિવાર (5 જુલાઈ) ના રોજ હળવો વરસાદ અને વાવાઝોડા જેવો પવન ચાલુ રહેવાની ધારણા છે.
મહત્તમ તાપમાન 32 થી 34 ની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27થી 29 ની વચ્ચે રહેવાની શક્યતા છે. 6 જુલાઈના રોજ, બે તબક્કામાં વરસાદ પડવાની શક્યતા છે. એક સવારે અને બીજો સાંજે આ સમય દરમિયાન મહત્તમ તાપમાન 31 થી 33 અને લઘુત્તમ તાપમાન 26થી 28 ની વચ્ચે રહી શકે છે.
ચાર દિવસ મોટી રાહત
7 જુલાઈના રોજ પણ હળવો વરસાદ પડવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાન 30થી 32 સુધી પહોંચવાની શક્યતા છે. ટૂંકમાં, દિલ્હીના રહેવાસીઓને આગામી ચાર દિવસમાં ભેજ અને ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 4 થી 7 જુલાઈ દરમિયાન અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 4 થી 6 જુલાઈ દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
ત્યારબાદ, 8 થી 10 જુલાઈ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં અને 9 અને 10 જુલાઈના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે વરસાદ થતા પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.