Sat Aug 29 2026

Logo

સવારના બે કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં IMDનું રેડ એલર્ટ

2026-07-02 10:54:00
Author: Mumbai Samachar Team
સવારના બે કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં IMDનું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું છે. 

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકામાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. લોર, માણસા, મીઠાપુર અને નાગેશ્રી જેવા ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘર અને ખેતરો સંપર્કવિહોણા બની ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

કાલાવડ અને જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે. બુટાવદર, બગધરા, વડાળા, ભોજાબેડી, ધ્રાફા અને શેઠવડાળા જેવા ગામોમાં સારો વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતોમાં વાવણીલાયક માહોલ થતાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે જામજોધપુર પંથકના બુટાવદર, બગધરા, ધ્રાફા, અને વડાળા સહિતના વિસ્તારોમાં પવન સાથે સારો વરસાદ પડ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં જ નોંધાયા છે.

સવારે 6 થી 8માં કેટલો વરસાદ?

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. ગુરુવારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 8 એમ બે કલાકના સમયગાળામાં વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જમાવટ કરી છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 2.36 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 1.73 ઇંચ, કોડિનારમાં 1.38 ઇંચ, જૂનાગઢમાં 0.83 ઇંચ, ઉનામાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો છે. 

આ સિવાય જામનગરના જોડિયામાં 0.75 ઇંચ, વલસાડના ઉમરગામમાં 0.59 ઇંચ, સુરતના પલસાણામાં 0.55 ઇંચ, ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 0.51 ઇંચ, જુનાગઢના માણાવદર તાલુકામાં 0.47 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 0.39 ઇંચ, જુનાગઢના મેંદરડા અને  કેશોદ તાલુકામાં 0.35 ઇંચ વરસાદ વરસ્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મહિસાગરના ખાનપુરમાં 0.35 ઇંચ, સુરતના ઓલપાડમાં 0.24 ઇંચ, વલસાડ તાલુકામાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો છે.