Fri Sep 04 2026

Logo

સુરેન્દ્રનગરમાં મોડી રાતનું મેગા રેસ્ક્યુ!  ઓળક-ભાસ્કરપરામાં ફસાયેલા લોકોનો આબાદ બચાવ; જુઓ Video

2026-07-24 21:20:45
Author: Devayat Khatana
સુરેન્દ્રનગરમાં મોડી રાતનું મેગા રેસ્ક્યુ!  ઓળક-ભાસ્કરપરામાં ફસાયેલા લોકોનો આબાદ બચાવ; જુઓ Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત ભારે વરસાદને કારણે લખતર તાલુકાના ઓળક ગામના પરા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં 27 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એ.ટી.ડી.ઓ., પોલીસ વિભાગ તેમજ મહાનગરપાલિકાની ફાયર ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે સઘન બચાવ કામગીરી હાથ ધરી કુલ 27 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા, જેમાં 13 મહિલાઓ, 10 પુરુષો અને 4 બાળકોનો સમાવેશ થાય છે. તમામને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના સગા-સંબંધીઓના ઘરે આશ્રય આપવામાં આવ્યો હતો.

મોડી રાત્રે શરૂ થયેલું રેસ્ક્યુ ઓપરેશન વહેલી સવારે લગભગ 4 વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. વહીવટી તંત્રની સમયસર અને સુદૃઢ કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, લખતર અને દસાડા તાલુકામાં અંદાજે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને કુલ વરસાદ 300 મીમીથી વધુ થયો છે.

ધ્રાંગધ્રા અને થાનગઢ તાલુકામાં પણ આશરે 5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને તમામ મામલતદારો, ટી.ડી.ઓ. તથા પ્રાંત અધિકારીઓને રજાના દિવસોમાં પણ હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ભાસ્કરપરા ગામમાં તળાવની પાળ તૂટતાં ફસાયેલા 10 લોકોને પણ સલામત રીતે બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવના માર્ગદર્શન હેઠળ તમામ પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે સંકલન કરીને બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગના 3 મુખ્ય રસ્તા તેમજ પંચાયત હસ્તકના 10 જેટલા રસ્તાઓ પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યા છે. રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લામાં શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લાના જળાશયોની સ્થિતિ અંગે કલેક્ટરે જણાવ્યું કે, વાંસલ ડેમ 100 ટકા અને ધોળીધજા ડેમ 89 ટકા ભરાઈ ચૂક્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.

પીજીવીસીએલની ટીમો સતત કામગીરી કરી રહી છે. હાલમાં જિલ્લાના આશરે 10 ગામોમાં વીજ પુરવઠાની સમસ્યા છે અને 45 જેટલા વીજ થાંભલાઓને નુકસાન પહોંચ્યું છે, જેને 24 કલાકમાં પુનઃસ્થાપિત કરવા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને સાવચેત રહેવા, અનાવશ્યક બહાર ન નીકળવા અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાલુકા અથવા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.