Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા" અભિયાન,  70 લાખ ઘર પર તિરંગો લહેરાવાશે

2026-08-06 18:29:54
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા" અભિયાન,  70 લાખ ઘર પર તિરંગો લહેરાવાશે

ગાંધીનગર: ગુજરાતમાં "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એકતાના સંદેશ સાથે કશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં " હર ઘર તિરંગા" અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં તા.9  થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 

જેમાં  આગામી તા. 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને 'તિરંગા કોન્સર્ટ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 11  ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રા યોજાશે. 

70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે

તેમણે કહ્યું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશનરો સાથે વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ માટેની મંજૂરી મેળવી લેવામાં આવી છે.

14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ યોજાશે 

આ રાષ્ટ્રીય પર્વમાં રાજ્યની સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો અને ધાર્મિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર જોડાઈને આયોજનને વધુ વ્યાપક બનાવી રહી છે. આ ઉપરાંત રાજ્યના તમામ તાલુકાઓ,ગામડાઓ અને નવી બનેલી મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં પણ સ્થાનિક કક્ષાએ રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. જ્યારે 14 ઓગસ્ટ સવારે તમામ જિલ્લા મથકો પર "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ"નો ખાસ કાર્યક્રમ પણ યોજાશે.