Wed Jun 10 2026

Logo

ગુજરાતમાં TET પાસ કરનારાં માટે સારા સમાચાર, ભરતીના નિયમોમાં 48 વર્ષ સુધીની છૂટ

2026-06-04 10:50:00
Author: Vimal Prajapati
Article Image

શિક્ષક બનાવાનું સપનું સેવીને બેઠેલા ઉમેદવારો માટે મહત્વની સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાત શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, નવા સુધારા પ્રમાણે જ્ઞાન સહાયક માટે હવે મહત્તમ વયમર્યાદા વધારીને 48 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે ભરતી પ્રક્રિયા,  મેરીટની પદ્ધતિ અને ખાલી જગ્યાઓમાં ભરતી કરવાના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યાં હોવાનું રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

નવા સુધારા પ્રમાણે તેમાં આઠ વર્ષનો વધારો કરવામાં આવ્યો

વયમર્યાદાની વાત કરવામાં આવે તો, પહેલા જ્ઞાન સહાયક માટે 40 વર્ષની વયમર્દાયા હતી. હવે નવા સુધારા પ્રમાણે તેમાં આઠ વર્ષનો વધારો કરવામાં આવ્યો અને 48 વર્ષની વયમર્યાદા કરી દેવામાં આવી છે. શાળામાં બાળકોને અનુભવી અને વધારે નિષ્ણાત શિક્ષકો મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ગુણ આધારિત બને તે માટે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો અને હવે ધોરણ 1 થી 5 માટે TET-1 અને ધોરણ 6 થી 8 માટે TET-2ના પરિણામમાં મેળવેલા ગુણોના આધારે જિલ્લાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હવે જિલ્લાવાર મેરીટ પ્રમાણે ભરતી કરવામાં આવશે

નવા સુધારા નિયમો પ્રમાણે હવે કોઈ પણ ઉમેદવાર અરજી કરતી વખતે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરી શકશે. જે જિલ્લો પસંદ કર્યો હશે તે જિલ્લાની મેરીટ યાદીના આધારે  જ તેની પસંદી કરવામાં આવશે. જે તે જિલ્લા સમિતિ દ્વારા પોતાના જિલ્લાની ખાલી જગ્યાઓની ભરતી માટેની વિગતો જાતે ઓનલાઈને પોર્ટલ પર જાહેર કરવાની રહેશે. તેમાં પછી જિલ્લાવાર મેરીટ પ્રમાણે ભરતી કરવામાં આવશે. આ મેરીટમાં પસંદ થયા બાદ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરાર આધારિત તે ઉમેદવારને નિમણૂક કરવામાં આવશે. આ નવા નિમયોને અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ ભરતી કરાર આધારિત જ રહેવાની છે. તે શાળામાં જ્યારે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે અથવા તો કોઈની બદલી કે પુનઃસ્થાપના કરવામાં આવશે તતે જ્ઞાન સહાયકનો કરાર સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં તે ઉમેદવારનું નામ ફરી સંબંધિત પ્રતિક્ષા યાદીમાં રાખવામાં આવશે તેવું પણ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પ્રતિક્ષા યાદીમાં પહેલા ભરતી પ્રક્રિયા દરમિયાન પસંદ થયેલા ઉમેદવારોને તક આપવામાં આવશે. તો જે ઉમેદવાર હાજર ના થાય તો પછી પ્રતિક્ષા યાદીના ઉમેદવારને પસંદગી આપવામાં આવશે.