Fri Jun 19 2026

Logo

ભૂપેન્દ્ર પટેલ સરકારે ખર્ચ ઘટાડવા 11 નિયમ બનાવ્યા, મંત્રી-અધિકારીઓના પ્રવાસ પર પ્રતિબંધ સહિતના નિયમો વિશે જાણો

2026-05-20 09:14:00
Author: Mayur Kumar Patel
Article Image

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારે ખર્ચ ઘટાડવા 11 નિયમ બનાવ્યા છે. મંત્રી-અધિકારીઓના પ્રવાસ પર પ્રતિબંધ સહિતના નિયમો જાહેર કર્યા હતો. આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

ક્યા 11 નિયમ બનાવ્યા

(1) સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી અધિકારીઓ/કર્મચારીઓને પ્રવાસ ન કરવા પડે તે રીતે ઈલેકટ્રોનિક ઉપકરણો જેવા કે, ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ, વીડિયો કોન્ફરન્સીંગ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે અને અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રીય અધિકારીઓ/કર્મચારીઓને મિટિંગ માટે બોલાવવાના બદલે 'વીડિયો કોન્ફરન્સિંગ' અથવા 'ઓનલાઈન માધ્યમ' દ્વારા બેઠકો યોજવાને પ્રાધાન્ય આપવાનું રહેશે.

(2) અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશમાં યોજાતી તાલીમ/પરિસંવાદો/અભ્યાસ પ્રવાસો/પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું.

(3) અન્ય રાજ્યમાં/કેંદ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી સહભાગી થવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. આમ છતાં, રાજય બહારની મુસાફરી અનિવાર્ય બને તો ઉચ્ચ અધિકારીઓએ પ્રવાસમાં તેમના હાથ નીચેના અન્ય અધિકારીઓ /કર્મચારીઓને અત્યંત જરૂરી હોય તે સિવાય સાથે ન રાખવાની કાળજી લેવાની રહેશે.

(4) અધિકારી/કર્મચારીએ શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

(5) સરકારી અધિકારીઓ/કર્મચારીઓના પ્રવાસો ઉપર યોગ્ય નિયંત્રણો રાખવા ઉપરાંત, દરેક વહીવટી વિભાગ અને તેની હેઠળનાં તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાનાં વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાનો (બોર્ડ/કોર્પોરેશન/કંપની વગેરેના વધારાના હવાલા સહિત) વધારાનો હવાલો (Charge) સંભાળતા હોય, તો તેઓને મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે 'સરકારી વાહન પુલ' (Vehicle Pool)માં જમા કરાવવાના રહેશે.

(6) જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ(EV) ઉપલબ્ધ હોય, તેઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)/Hybrid modelનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.

(7) પર્યાવરણ જાળવણી અને ઈંધણની બચત માટે, અધિકારીઓ/કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહન સેવાઓ(જેમ કે મેટ્રો, એસ.ટી. નિગમની બસ,રેલવે વગેરે)નો મહત્તમ ઉપયોગ કરવો.

(8) તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ(PNG) કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે.

(9) તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSMEs (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા માટે ખરીદ નીતિઓ મજબૂત બનાવવાની રહેશે.

(10) સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાનું રહેશે.

(11) વિવિધ વિભાગો તથા તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડા/ તાબાની કચેરીઓ દ્વારા યોજાતા કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા તેમજ લોકાર્પણના કાર્યક્રમો વર્ચ્યુઅલ પદ્ધતિથી કરવાનો આગ્રહ રાખવો.