ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારે ફિક્સ પગારદારોને કાયમી ના કરવા પડે એટલે વકીલોને કેટલી ફી ચૂકવી તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે હતું કે, એપ્રિલ, 2012થી ગુજરાત સરકારની ફિક્સ પે નીતિને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સરકાર પક્ષે અત્યાર સુધી કુલ 9 જેટલા વકીલો રોકવામાં આવ્યા છે. જેમાં એડવોકેટ મહેશ અગ્રવાલને 2 લાખ રૂપિયા જેટલી ફી, હરીશ સાલ્વેની ફી નિયત કરવામાં આવી નથી, મુકુલ રોહતગીને કોન્ફરન્સ અને અપીયરન્સ પેટે 2 લાખ રૂપિયા ફી, કે વિશ્વનાથનની ફિ નિયત કરવામાં નથી આવી, તુષાર મહેતાને દિવસના 2 લાખ રૂપિયા ફી ચૂકવવામાં આવી હતી.
મહેશ અગ્રવાલને ડ્રાફ્ટીંગ અને એસ.એલ.પી. દાખલ અંગેની ફી - રૂ.50,000, ડ્રાફ્ટીંગ અને વિવિધ મુસદાઓ તૈયાર કરવા અંગેની ફી રૂ, 30,000, અરજીનો મુસદ્દો, પ્રતિસાદ અને જવાબ તૈયાર અંગેની ફી રૂ. 30,000, પેપર વાંચવા, ક્લાયન્ટ સાથે કોન્ફરન્સ, અભિપ્રાય ફી રૂ.10,000 (પ્રતિ કલાક), કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી રૂ.40,000(પ્રતિ દિવસ), કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી (અંતિમ સુનવણી) રૂ. 70,000 (પ્રતિ દિવસ), રજીસ્ટ્રાર કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી રૂ. 10,000 (પ્રતિ દિવસ), વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજીસ્ટ્રાર સમક્ષ ઉલ્લેખ કરવા અંગેની ફી રૂ. 10,000, ટાઈપિંગ, ફોટોકોપી, કોર્ટ ફીસ, કુરીયર વગેરે વાસ્તવિક ફી ચુકવવાનું નક્કી થયું છે. કે કે વેણુગોપાલને કોન્ફરન્સ અને અપિરયન્સ ફી રૂ. 5,00,000 તથા કલર્કેજ રૂ. 50,000 મળી કુલ 5.50 લાખ નક્કી કરવામાં આવ્યા છે.
કમલ ત્રિવેદીને પ્રતિ દિવસ અપિરયન્સ રૂ, 2,00,000, મુકુલ રોહતગીને ફોન્ફરન્સ અને અપિરયન્સ ફી રૂ. 2,00,000, મનીષાબેન એલ શાહને પ્રતિ દિવસ અપિરયન્સ રૂ. 2,00,000 નક્કી કરવામાં આવ્યા છે. હરીશ સાલ્વે, કે વિશ્વનાથન તથા નીરજ કિશન કૌલની ફી નિયત થયેલીનથી.
01-01-2026ની સ્થિતિએ મહેશ અગ્રાવલને રૂ. 3,00,000 તથા મનીષાબેન એલ શાહને રૂ, 1,75,000 ચૂકવવાના બાકી છે. જ્યારે હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે કે વેણુગોપાલઅને નીરજ કિશન કૌલને કોઈ ફી ચૂકવવાની બાકી નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વર્ગ-3ની જગ્યા પર સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પસંદગી પામતા ઉમેદવારોને પહેલા 5 વર્ષ માટે ફિકસ પગાર આપવામાં આવે છે. જેનો લાખો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સરકાર આ વિરોધ અવગણીને વકીલોને દિવસની લાખો રૂપિયા ફી આપીને સુપ્રીમમાં કેસ લડી રહી છે.