Sat Sep 05 2026

Logo

રાજ્યમાં આ બે જિલ્લામાં છે સૌથી વધુ કુપોષિત બાળકો, વિધાનસભામાં સરકારે આપી માહિતી...

2026-03-14 12:59:35
Author: Mayur Patel
રાજ્યમાં આ બે જિલ્લામાં છે સૌથી વધુ કુપોષિત બાળકો, વિધાનસભામાં સરકારે આપી માહિતી...

ગાંધીનગરઃ ગુજરાતમાં આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો હોવાની વિધાનસભામાં સરકારે કબૂલાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ વિગત સામે આવી હતી.

શું પૂછ્યું અમિત ચાવડાએ

આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યું કે, 31-01-2026ની સ્થિતિએ રાજ્યમાં બાળકોમાં કુપોષણ સૌથી વધારે હોય તેવા બે જિલ્લા કયા છે, બે જિલ્લામાં તાલુકાવાર કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે, આ જિલ્લાઓને કુપોષણમુક્ત બનાવવા શું પગલાં લેવામાં આવ્યા અને કેટલી રકમ કયા હેતુ માટે ખર્ચ કરવામાં આવી?

અમિત ચાવડાના સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું, 31-01-2026ની સ્થિતિએ રાજ્યમાં બાળકોમાં કુપોષણ વધારે હોય તેવા છોટાઉદેપુર અને નર્મદા બે જિલ્લા છે. છોટાઉદેપુરના બોડેલીમાં 2569, કવાંટમાં 3002, નસવાડીમાં 2617, જેતપુર પાવીમાં 2331, સંખેડામાં 1201, છોટા ઉદેપુરમાં 4602 મળી કુલ 16,322 બાળકો કુપોષિત છે. જ્યારે  નર્મદા જિલ્લાના નાંદોદમાં 1737, ગરૂડેશ્વરમાં 1308, ડેડીયાપાડામાં 3541, સાગબારામાં 1610, તિલકવાડામાં 685 મળી કુલ 8881 બાળકો કુપોષિત છે. બંને જિલ્લામાં મળી 25203 બાળકો કુપોષિત છે.

આ જિલ્લાઓને કુપોષણ મુક્ત બનાવવા રાજ્યમાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટીફાઇડ સુપોષિત આહાર આપવામાં આવે છે. રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લેતાં બાળકના જન્મ પહેલા અને જન્મ પછી (1000-દિવસ) સુપોષિત આહાર પૂરો પાડવામાં આવે છે.

આ ઉપરાંત કુપોષણ નાથવાના હેતુથી વિવિધ યોજનાઓ (પુરક પોષણ યોજના(THR+HCM), દૂધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના) કાર્યરત છે.   આ બે જીલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં રૂ. 90.57 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.