Thu Jun 18 2026

Logo

ગુજરાતના ઈ-નગર પોર્ટલ પર 18 લાખ ટ્રાન્ઝેક્શન થયા, 1,031 કરોડની કમાણી કરી સરકારે...

2026-03-23 16:49:46
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ નગરપાલિકાની વિવિધ સેવાઓ એક જ પ્લેટફોર્મ લાવવાના ઉદ્દેશથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા ઇ-નગર પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025-26માં 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. 

રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર  ઇ-નગર પોર્ટલના કારણે કાગળકામ ઘટ્યું છે, મ્યુનિસિપલ ઓફિસોમાં લાંબી લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યા દૂર થઈ છે અને નાગરિક સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બની છે. વર્ષ 2025–26 દરમિયાન પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે અને ₹1,031 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. વર્ષ 2024–25માં 26 લાખ ટ્રાન્ઝેક્શન અને ₹1,522 કરોડની આવક નોંધાઈ હતી. એકંદરે, આ પ્લેટફોર્મ પર 1.24 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે અને ₹6,076 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે, જે દર્શાવે છે કે લોકો આ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે તેમજ તેમનો સમય પણ બચી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઇ-નગર પોર્ટલ અંતર્ગત નાગરિકો ફરિયાદ નોંધણી, દુકાનના લાયસન્સ માટેની અરજી, લગ્નની નોંધણી, મકાનની પરવાનગી, વ્યવસાયિક ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, એસ્ટેટ રેન્ટની ચૂકવણી, હૉલ બુકિંગ, મિલકત વેરો, પાણી અને ડ્રેનેજ જોડાણોનું સંચાલન વગેરે કામો ઘરેબેઠાં ઓનલાઇન કરી શકે છે. આ પોર્ટલ 24×7 ઓનલાઈન ઍક્સેસ, પેમેન્ટ માટે કાર્ડ્સ, યુપીઆઈ અને નેટ બૅન્કિંગ જેવા વિકલ્પો, રિયલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ, મોબાઇલ એપ્લિકેશન સપોર્ટ પ્રદાન કરે છે તેમજ નાગરિકો પ્રમાણપત્રો અને રસીદો પણ ડાઉનલોડ કરી શકે છે.  આ ઉપરાંત, ભાષિણીના સહયોગથી ઇ-નગર પોર્ટલ હવે 23 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેના કારણે વિવિધ ભાષા બોલતા લોકો માટે તેનો ઉપયોગ વધુ સરળ બન્યો છે.