Fri Sep 04 2026

Logo

રાજ્યના પોલીસ વડાએ કચ્છની દરિયાઈ પટ્ટી ખૂંદી! નલિયા પોલીસ સ્ટેશન લીધું દત્તક!

2026-02-23 18:41:00
Author: Devayat Khatana
રાજ્યના પોલીસ વડાએ કચ્છની દરિયાઈ પટ્ટી ખૂંદી! નલિયા પોલીસ સ્ટેશન લીધું દત્તક!

ભુજ: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તા. ૨૧-૨૨ ફેબ્રુઆરી દરમિયાન આ મુલાકાત વખતે તેમણે સરહદી અને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે અનેક બેઠકો યોજી હતી. ભુજ ખાતે આયોજિત હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સમાં તેમણે ગુનાખોરીની સ્થિતિની સમીક્ષા કરી હતી અને BSF, વાયુસેના, કોસ્ટ ગાર્ડ, IB અને NTRO જેવી એજન્સીઓ સાથે ઇન્ટેલિજન્સ શેરિંગ, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા અને ઘૂસણખોરી રોકવા જેવા મુદ્દે એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રવાસ દરમિયાન ડૉ. રાવે નલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને તેને દત્તક લેવાની જાહેરાત કરી હતી અને તેના આધુનિકીકરણ માટે રૂપિયા ૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. પોલીસ જવાનો અને સ્થાનિક નાગરિકોનું મનોબળ વધારવા માટે તેમણે 'બડા ખાના'નું પણ આયોજન કર્યું હતું. વધુમાં, જખૌ દરિયાકાંઠે ધ્વજવંદન કરી તેમણે સુરક્ષા જવાનોનું અભિવાદન કર્યું હતું અને જખૌના દરિયામાં કોસ્ટ ગાર્ડ, BSF તથા ગુજરાત પોલીસ સાથે સંયુક્ત પેટ્રોલિંગ કરીને સુરક્ષા કવચની સજ્જતાની જાતે ચકાસણી કરી હતી.

કચ્છની સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના પોલીસ વડાએ પિંગલેશ્વર આઉટપોસ્ટ જેવા છેવાડાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે દરિયાઈ અને જમીની સરહદ પર સતત એલર્ટ રહેવા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સીમલેસ કોઓર્ડિનેશન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાતથી કચ્છની સરહદી સુરક્ષા વ્યવસ્થામાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે ગુજરાત પોલીસની સજ્જતા વધુ મજબૂત બની છે.

વધુ જુઓ...