વડોદરા : વડોદરા જિલ્લાના વરણામા ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1297 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં વર્ષ 2025ના જુલાઇ માસમાં તૂટી ગયેલા અને હાલ નવનિર્મિત ગંભીરા બ્રિજને પણ ખુલ્લો મૂક્યો હતો.આ બ્રિજ 212 કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું લોકાર્પણ
આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરામાં અંદાજે રૂ. 29 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું લોકાર્પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પવિત્ર ભૂમિ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિ જોડાયેલી છે, ત્યારે અહીં તેમની 12 ફૂટ ઊંચી પ્રતિમા સાથે મ્યુઝિયમ, ડિજિટલ શો, લાઇબ્રેરી અને ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સમરસતાની પ્રેરણાભૂમિ બનશે
તેમણે કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાજમાંથી કુરિવાજો અને અસમાનતા દૂર કરી સામાજિક સમરસતા સ્થાપિત કરવા માટે દૃઢ સંકલ્પ સાથે કાર્ય કર્યું હતું. સંકલ્પભૂમિ સ્મારક આવનારી પેઢીઓ માટે સામાજિક સમાનતા, એકતા અને સમરસતાની પ્રેરણાભૂમિ બનશે. વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ સમાજના ઉત્થાન માટે દૃઢ સંકલ્પ કરવામાં આવે તો પરિવર્તન ચોક્કસપણે લાવી શકાય છે, તે સંદેશ આ સ્મારક દ્વારા જનમાનસ સુધી પહોંચશે.
સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચ્યો
તેમણે જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ‘સેચ્યુરેશન’ના અભિગમ સાથે આગળ વધવાની જરૂર છે. સેવા સંકલ્પ અભિયાન દરમિયાન દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ સમાજસેવામાં યોગદાન આપે તેવો સંકલ્પ કરવો જોઈએ. વૃક્ષારોપણ, સ્વચ્છતા, પાણી બચાવવું, વીજળીની બચત અને જળસંચય જેવા કાર્યો દ્વારા પણ જનસેવામાં સહભાગી બની શકાય છે.