Wed Sep 02 2026

Logo

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તાપીને જિલ્લાને આપી રૂ. 1600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

2026-03-30 16:40:23
Author: Chandrakant Kanoja
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તાપીને જિલ્લાને આપી રૂ. 1600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂ. 1600 કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું.

હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે અને તેમની ખેતી સમૃદ્ધ થશે

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે,  રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી માટે પણ પરિણામલક્ષી કામગીરી કરી છે.
પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે. આજે ઇજનેરી કૌશલ્યથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છીએ. સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ અને બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાથી હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે અને તેમની ખેતી સમૃદ્ધ થશે.

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવનદાયિની સમાન છે.  તેમણે બંને ઉદ્વહન સિંચાઈ યોજનાના લાભ સાથે ડ્રિપ ઇરિગેશન પર મળતી સબસિડીનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

136  ગામોની 28  હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે

આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતના સુચારુ જળ વ્યવસ્થાપન અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પિત રૂ. 916.62  કરોડની ઉકાઈ જળાશય યોજના આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાના 136  ગામોની 28  હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ સાથે જ  રૂ. 651.37  કરોડના ખર્ચે સાકાર થઈ રહેલી બોરીસાવર યોજના દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના 29  ગામોની 8  હજાર હેક્ટરથી વધુ જમીન પણ સિંચાઈ સુવિધાથી સજ્જ થશે.