Sun Sep 06 2026

Logo

વનબંધુ કલ્યાણ યોજનાઃ આદિજાતિ વિસ્તારોમાં શાળા-આરોગ્ય કેન્દ્રોના રસ્તાઓ માટે ₹૩૬૨ કરોડ મંજૂર

2026-03-30 12:57:00
Author: Mayur Patel
વનબંધુ કલ્યાણ યોજનાઃ આદિજાતિ વિસ્તારોમાં શાળા-આરોગ્ય કેન્દ્રોના રસ્તાઓ માટે ₹૩૬૨ કરોડ મંજૂર

ગાંધીનગરઃ  રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ  નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો. મુખ્ય પ્રધાને આ સંદર્ભમાં આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો  મળીને ૨૯૩ કામો માટે કુલ ₹૩૬૨.૫૭કરોડ મંજૂર કર્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયોને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ સરળ અને સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુસર મુખ્ય પ્રધાને આ કામો મંજૂર કર્યા છે.

 આદિજાતિ વિસ્તારોમાં નવા રસ્તાઓ નું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા થશે.એટલું જ નહિે આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચાડી શકાશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ની આ પહેલથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલતા  "સબકા સાથ, સબકા વિકાસ”નો ધ્યેય પણ સાકાર થશે.