Thu Jun 04 2026

Logo

ગુજરાત વિધાનસભા ફરી ખંડિત, 8 વાર ચૂંટાયેલા BJPના દિગ્ગજ પાટીદાર MLAનું નિધન

2026-06-02 16:13:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે. 8 વાર ચૂંટાયેલા  BJPના દિગ્ગજ પાટીદાર MLAનું નિધન થયું છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા થોડા દિવસોથી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતા. તેઓ 5 વખત રાવપુરાથી 3 વખતથી માંજલપુરથી વિજેતા બન્યા હતા. હાલમાં તેઓ માંજલપુરથી ધારાસભ્ય હતા.

1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. જે બાદરાવપુરા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા હતા. માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા.

એક રિપોર્ટ મુજબ, સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે પારિવારિક ખટરાગ થયો હતો. એ સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી. જ્યારે મેનકા ગાંધી વડોદરા આવ્યા ત્યારે તેમનું યોગેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  મેનકા ગાંધીનાં દુઃખના સમયે ઊભા રહેલા યોગેશ પટેલને મેનકા ગાંધી ભાઈ માનતા હતા. રક્ષાબંધનમાં રાખડી મોકલતા હતા.  મેનકા ગાંધી પણ યોગેશ પટેલની જરૂર પડે ત્યારે પડખે ઊભાં રહ્યાં છે. ભાજપમાં આવ્યા બાદ યોગેશ પટેલની બે વખત ભાજપા નેતાગીરીએ તેમની ટિકિટ કાપવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ એ સમયે મેનકા ગાંધીએ ભાજપ મોવડીમાં રજૂઆત કરી ટિકિટ અપાવી હતી. 

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર સીટના ધારાસભ્ય યોગેશ પટેલની વરણી કરવામાં આવી હતી.

કોણ છે યોગેશ પટેલ

ભાજપ દ્વારા વડોદરાની માંજલપુર બેઠક પર 2002માં 8મી વખતના ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો 1 લાખ કરતાં વધુ મતથી વિજય થયો હતો. યોગેશ પટેલ વિદ્યાર્થીકાળથી જ તોફાની અને આંદોલનકારી હતા. જ્યાં સુધી તેઓ આંદોલનમાં જીત ન મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખતા હતા.  

વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કર્યા બાદ યોગેશ પટેલે વડોદરા વિકાસ મંચ જેવા વિવિધ પક્ષોની રચના કરી હતી. આ પક્ષોના નેજા હેઠળ વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણે વખત તેમનો પરાજય થયો હતો. દરમિયાન દેશના વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા ત્યારે વી.પી. સિંહ તેમનાથી છૂટા પડ્યા હતા અને જનતા પાર્ટી બનાવી હતી. એ પાર્ટીમાં જોડાયા હતા. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ વડોદરાની ત્રણ બેઠકોનું વિભાજન થઈને પાંચ બેઠકો થઈ હતી. તે સમયે માંજલપુર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલાં તેનો મોટાભાગનો વિસ્તાર રાવપુરા બેઠકમાં આવતો હતો. 2012 સુધી સતત પાંચ વખત ભાજપમાંથી રાવપુરા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. જે બાદ યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં તેઓ માંજલપુરથી વિજેતા બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદથી તેઓ સતત તેમના મતવિસ્તાર અને લોકો અને વડોદરા શહેરને નામના મળે તે માટે સતત કામ કરતા આવ્યા હતા. તેઓ શિવભક્ત હોવાથી તેમણે સૂરસાગર તળાવની વચ્ચે શિવજીની પ્રતિમા બનાવડાવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો



મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય  યોગેશ  પટેલના અવસાન અંગે ઘેરા શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે X પર લખ્યું, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.  
રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.