Fri Jun 05 2026

Logo

ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિનથી એક પેડ મા કે નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાશે

2026-06-04 20:29:28
Author: Chandrakant Kanoja
Article Image

ChatGTP Ai Generated Image


ગાંધીનગર: વિશ્વ પર્યાવરણ દિને પીએમ મોદી  પ્રેરિત "એક પેડ માં કે નામ" અભિયાનના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ થશે.ગાંધીનગરના 'જ' રોડ પર લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સ નજીક 0.5  હેક્ટર વિસ્તારમાં 'વનકવચ' પદ્ધતિથી અંદાજે 5000  રોપાઓનું વાવેતર કરીને આ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરાશે. 

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં માઈક્રો ફોરેસ્ટ તૈયાર કરાશે

તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારને 'હરિયાળા લોકસભા' બનાવવા માટે વન વિભાગ દ્વારા અંદાજે 500  હેકટરથી વધુ વિસ્તારમાં 50  લાખથી વધુ રોપાઓ વાવીને 'વન કવચ - માઈક્રો ફોરેસ્ટ' તૈયાર કરાશે. વર્ષ 2024 માં નવી દિલ્હીના બુદ્ધ જયંતી પાર્ક ખાતેથી  "એક પેડ માં કે નામ" અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
 

પર્યાવરણીય સંતુલન અને જીવ-વૈવિધ્ય (Biodiversity) ની જાળવણી માટે ગાંધીનગરમાં 57  જેટલી સ્થાનિક પ્રજાતિઓના રોપાનું વાવેતર કરાશે. જે ત્રિ-સ્તરીય હશે. જેમાં 16  જાતના 20  ટકા ઉચ્ચ સ્તરીય રોપા, 25  જાતના 50 ટકા - મધ્યમ સ્તરીય અને વિવિધ 16  જાતના 30  ટકા નિમ્ન સ્તરીય રોપાઓનો સમાવેશ થાય છે. આ વનકવચ (Micro-forest) ની વિશેષતા એ છે કે તે ખૂબ જ ઓછી જગ્યામાં અત્યંત ગીચ અને ઝડપથી વિકાસ પામતું શહેરી જંગલ તૈયાર કરે છે.
 
એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 6 લાખ રોપાઓનું વાવેતર
 
'વિશ્વ પર્યાવરણ દિવસ'થી શરૂ કરીને આગામી અઠવાડિયા સુધી વન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતને આવરી લેતા વિવિધ લોક કાર્યક્રમોનું આયોજન  કરવામાં આવ્યું છે‌. જેમાં રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી કક્ષાએ કુલ 50  હજાર‌  જેટલા 'જૂથ સ્તર' નક્કી કરાયા છે. દરેક જૂથ દ્વારા 12 રોપાઓનું વાવેતર કરી, એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 6 લાખ રોપાઓનું વાવેતર કરાશે.
 
વિધાનસભા વિસ્તારોમાં  સઘન વૃક્ષારોપણ કરાશે 

આ સપ્તાહ દરમિયાન દરેક જિલ્લા કક્ષાએ મુખ્ય ચાર કાર્યક્રમો અને તમામ 265  તાલુકાઓ તેમજ વિધાનસભા વિસ્તારોમાં મહાનુભાવોની અધ્યક્ષતામાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવશે.આ ઉપરાંત સપ્તાહ દરમિયાન ૨૬૫ તાલુકા કક્ષાના કાર્યક્રમો દ્વારા 1.53  લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે તેમ જ 1.87  લાખથી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે. વધુમાં તાલુકાઓમાં 861  નિયત સ્થળો પર વધુ 4.15  લાખથી વધુ રોપાઓ વન વિભાગના માર્ગદર્શનમાં વાવવામાં આવશે.