લાહોર: પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે બુધવારે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતાં, મોટરવે પર ત્રણ નિર્દોષ બાળકોની સામે ફ્રેન્ચ મહિલા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનારા બે નરાધમોની ફાંસીની સજાને યથાવત રાખી છે. હાઈકોર્ટે દોષિત આબિદ અલી અને શફકત અલી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ બંનેએ વર્ષ 2021માં એન્ટી-ટેરરિઝમ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને પડકારી હતી.
મોટરવે પર શું બની હતી કાળી ઘટના?
કોર્ટના આ નિર્ણય બાદ હવે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા કાયમ રહેશે. દોષિતો પર સામૂહિક દુષ્કર્મ, અપહરણ, લૂંટફાટ અને આતંકવાદ સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો સાબિત થયો છે. આ ઘટના 9 સપ્ટેમ્બર, 2020ના રોજ બની હતી, જેણે સમગ્ર પાકિસ્તાન સહિત આખી દુનિયાને હચમચાવી દીધી હતી. પાકિસ્તાની મૂળની એક ફ્રેન્ચ મહિલા પોતાના ત્રણ બાળકો સાથે કારમાં સિયાલકોટ-લાહોર મોટરવે પરથી પસાર થઈ રહી હતી. મોડી રાત્રે અચાનક તેની કારનું ઈંધણ ખલાસ થઈ ગયું અને ગાડી હાઈવે પર જ બંધ પડી ગઈ.
મહિલા મદદની રાહ જોતી વખતે બાળકો સુરક્ષિત રહે તે માટે કારના દરવાજા લોક કરીને અંદર જ બેસી રહી હતી. તે દરમિયાન ત્યાં પહોંચેલા હુમલાખોરોએ કારનો કાચ તોડી નાખ્યો હતો. તેઓ મહિલાને તેના બાળકોની સામે જ બંદૂકની અણીએ ખેંચીને બહાર લઈ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. નરાધમો આટલેથી જ ન અટકતા, પરિવાર પાસેથી રોકડ, દાગીના અને બેંક કાર્ડ પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિશ્વ માટે ચૌંકાવનારી ઘટના હતી.
પાકિસ્તાની તપાસ એજન્સીઓએ ઘટનાના ગણતરીના દિવસોમાં જ મોબાઈલ ફોનના લોકેશન ડેટાના આધારે શંકાસ્પદોને ટ્રેક કર્યા હતા. ક્રાઈમ સીન પરથી મળેલા DNA સેમ્પલ દોષિતો સાથે મેચ થઈ ગયા હતા, જે કોર્ટમાં સૌથી મજબૂત પુરાવો સાબિત થયો. પીડિત મહિલાએ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન બંને નરાધમોને ઓળખી બતાવ્યા હતા અને એક દોષિત શફકત અલીએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
તત્કાલીન પોલીસ વડાએ આપ્યું હતું વિવાદિત નિવેદન
આ ઘૃણાસ્પદ ગુના બાદ સમગ્ર પાકિસ્તાનમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. લોકોનો આક્રોશ ત્યારે વધુ ભડક્યો જ્યારે તત્કાલીન લાહોર પોલીસ ચીફ ઉમર શેખે પીડિતા પર જ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘મહિલાએ રાત્રે મુસાફરી કેમ કરવી પડી? અને તેણે બીજો કોઈ સુરક્ષિત રૂટ કેમ ન લીધો?’ આ નિવેદનની વૈશ્વિક સ્તરે આકરી ટીકા થઈ હતી અને મહિલાઓની સુરક્ષાને લઈને પાકિસ્તાન સરકાર કઠેડામાં આવી ગઈ હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે પ્રોસિક્યુશનના કેસમાં ઘણી ખામીઓ છે. જો કે, સરકારી વકીલોએ સજ્જડ પુરાવા રજૂ કરીને સાબિત કર્યું કે 2021માં નીચલી અદાલતે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ જ સજા સંભળાવી હતી. આ કેસમાં હવે હાઈકોર્ટે બંને નરાધમોની ફાંસીની સજા પર મહોર મારી દીધી છે.