Thu Jun 04 2026

Logo

વન વિભાગની મહેનત રંગ લાવી: વાયરસના આતંક વચ્ચે ગીરમાં 5 તંદુરસ્ત સિંહો દેખાતા રાહતનો શ્વાસ

2026-06-04 22:15:06
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ઉનાઃ
ગીર પૂર્વ રેન્જના જસાધાર વિસ્તારમાં સિંહપ્રેમીઓ માટે આશાનું કિરણ જોવા મળ્યું છે. ખાપટ ગામની સીમમાં લાંબા સમય બાદ પાંચ સિંહનો તંદુરસ્ત પરિવાર મુક્તપણે વિહરતો નજરે પડતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 15 દિવસથી ગીરની પશ્ચિમ અને પૂર્વ રેન્જમાં ફેલાયેલા ઘાતક વાયરસે 12 જેટલા સિંહોનો ભોગ લીધા બાદ આ દ્રશ્યે સૌના ચહેરા પર સ્મિત ફેરવ્યું છે.

માત્ર 15 દિવસમાં 12 સિંહોના મૃત્યુથી સમગ્ર તંત્ર હચમચી ગયું હતું. વાયરસને કાબૂમાં લેવા સરકાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને બીટ ગાર્ડ સુધીના તમામ કર્મચારીઓએ રાત-દિવસ એક કરી સઘન પ્રયાસો આદર્યા હતા. આ ભગીરથ પ્રયાસોનું પરિણામ હવે દેખાવા લાગ્યું છે. ખાપટ ગામની સીમમાં રાત્રિના સમયે પાંચ સિંહ સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વન વિભાગના સૂત્રો મુજબ, આ સિંહો મોડી રાત્રે શિકારની શોધમાં બહાર નીકળે છે અને સવાર પડતા પહેલા જંગલ તરફ પરત ફરે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના સિંહોએ માનવ વસાહત ના સીમાડાઓને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે. ખાપટ જેવા રેવન્યુ વિસ્તારોમાં સિંહોની નિયમિત અવર-જવર જોવા મળે છે. ગ્રામજનો પણ હવે સિંહો સાથે સહઅસ્તિત્વ શીખી ગયા છે. વનવિભાગ દ્વારા આ સિંહો પર 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તકેદારીના ભાગરૂપે, વન વિભાગ એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે ગામમાં મૃત્યુ પામેલા કોઈપણ માલઢોરનો મૃતદેહ સિંહો સુધી ન પહોંચે, સડેલું માંસ ખાવાથી સિંહોને ચેપ લાગવાનો ભય રહેતો હોવાથી આખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

સિંહ સુરક્ષિત તો ગીર સુરક્ષિત નાયબ વન સંરક્ષક ના જણાવ્યા મુજબ, વાયરસના કારણે અમે ખૂબ ચિંતિત હતા. પરંતુ ખાપટમાં તંદુરસ્ત સિંહ પરિવારના દર્શનથી અમને નવી ઊર્જા મળી છે. અમારી ટીમો સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરી રહી છે. સિંહોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

સ્થાનિક સિંહપ્રેમીઓએ પણ આ ઘટનાને ગીર માટે શુભ સંકેત ગણાવી છે. એશિયાટિક સિંહ એ ગુજરાતની શાન છે અને તેનું સંરક્ષણ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.