Wed Sep 02 2026

Logo

ગીરગઢડાના નગડિયા નજીક હિટ એન્ડ રનમાં બે જુવાન મિત્રના કમકમાટીભર્યા મોત

2026-06-04 20:55:00
Author: Pooja Shah
ગીરગઢડાના નગડિયા નજીક હિટ એન્ડ રનમાં બે જુવાન મિત્રના કમકમાટીભર્યા મોત

ઉનાઃ ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની સીમમાં રાત્રિના સર્જાયેલા કાળમુખા હિટ એન્ડ રનના બનાવે બે હસતા-ખેલતા પરિવારોના દીવડા ઓલવી નાખ્યા છે. ધોકડવા ગામના પેટ્રોલ પંપ પરથી પોતાની શિફ્ટ પૂરી કરી બાઇક પર જસાધાર ઘરે પરત ફરી રહેલા બે આશાસ્પદ જુવાન મિત્રને પૂરપાટ આવતી અજાણી કારે કાળ ભેટે ધકેલી દીધા હતા. બેફામ ઝડપે આવેલી કાર બાઇકને હવામાં ફંગોળીને પળવારમાં જ બે જિંદગી છીનવી ને નાસી છૂટી હતી. 

 ગીર ના જસાધાર ગામના વતની મયુરભાઈ મેર અને સિરાજભાઈ મુસાભાઈ ધોકડવા પેટ્રોલ પંપ પર એક સાથે નોકરી કરતા હતા.રોજિંદા ક્રમ મુજબ રાત્રે પોતાની ફરજ પૂરી કરી બંને  મિત્ર બાઇક પર સવાર થઈ ઘર તરફ નીકળ્યા હતા. 

નગડિયા ગામની સીમમાંથી પસાર થતી વખતે કાળ બનીને આવેલી અજાણી કાર સામેથી અત્યંત બેફામ ગતિએ ધસી આવી હતી અને પળનો પણ વિચાર કર્યા વિના બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનો રોડ પર દૂર સુધી ફંગોળાઈ ગયા અને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

ગંભીર શારીરિક ઇજાઓ અને માથામાં થયેલી જીવલેણ ઈજાઓના કારણે મયુરભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જુવાનજોધ દીકરાનો નિષ્પ્રાણ દેહ જોઈ હાજર સૌના હૈયા કંપી ઉઠ્યા.

લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા સિરાજભાઈને તાત્કાલિક 108 મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ તેમની નાજુક હાલત જોતા તબીબોએ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા. કમનસીબે જીવન-મરણ વચ્ચે ઝઝૂમતા સિરાજભાઈએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. બે કલાકમાં જ બે મિત્રો ની અર્થી ઉઠતા સમગ્ર પંથક હચમચી ગયો હતો. 

ઘટનાની જાણ થતાં જ ગીર ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ઉના વિભાગના પોલીસ અધિકારી એમ.એફ. ચૌધરી પણ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

મયુર અને સિરાજ બંને પરિવારના એકના એક આધાર સ્તંભ હતા. ગ્રામજનોએ માંગ કરી છે કે,આવા બેફામ વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી બીજા કોઈ માસૂમનો ભોગ ન લેવાય પોલીસે આશ્વાસન આપ્યું  હતું કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાશે અને કાયદાનું ભાન કરાવવામાં આવશે.