Tue Aug 18 2026

Logo

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન, HPCL પાઇપલાઇનમાં પંચર પાડી ઓઇલ ચોરતી ગેંગનો પર્દાફાશ

2026-08-12 08:27:11
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા ક્રૂડ ઓઇળ ચોરી ટોળકીને ઝડપી પાડી છે. ​HPCL પાઇપલાઇનમાં પંચર પાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પોલીસે ઝડપી પાડી છે.  આ ગેંગ રાજસ્થાનથી ક્રૂડ ઓઇલ ચોરી કરતી અને તેનું અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચતી હતી. આ ક્રૂડ ઓઇલ ચોરીના આ નેટવર્કમાં સામેલ ​કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પૂછપરછ દરમિયાન ક્રૂડ ઓઈલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત ATS ડીવાયએસપી એસએલ ચૌધરીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર સોખડા ગામ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ક્રૂડ ઓઈલ ચોરીના નેટવર્ક અંગે પોલીસને જાણ થઈ હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે, રાજસ્થાનના બાલોત્રાથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ લાવવામાં આવતું હતું. 

HPCLના અધિકારીઓને સાથે રાખી તપાસ કરવામાં આવી

આ મામલે  ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસની સાથે એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન રાજસ્થાનના ટાપરા નજીકથી વધુ સાતની અટકાયત કરવામાં આવી હતી. આ ​તપાસમાં કાલુડી ગામની સીમમાં જમીન અંદર 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદી HPCL પાઇપલાઇનમાં પંચર પાડીને ફિટ કરેલો ગેરકાયદે વાલ્વ મળી આવ્યો હતો. પોલીસે આ દરમિયાન HPCLના અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા અને 'પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ' હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.