Wed Jun 10 2026

Logo

ગુજરાત વિધાનસભામાં  દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક મંજૂર, કામના કલાકો અને ઓવરટાઈમની મર્યાદા વધારાઇ

2026-02-17 16:51:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક વિશે મંત્રી  કુંવરજીબાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019માં  કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે. 

20  કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10  કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20 થી ઓછા શ્રમયોગીઓ–કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. જેના લીધે  હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે.

દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી 

મંત્રી  બાવળીયાએ કહ્યું હતું કે, સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવી  છે. આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધીને 6 કલાક કરવામાં આવી છે. 

આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ 125 કલાક હતી, જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. ઉત્પાદકતામાં વધારો થવાથી દુકાનદારોના નફામાં વધારો થતાં, શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે અને તેમની આર્થિક સુખાકારીમાં વધારો થશે. 

મહિલા શ્રમયોગીને રાત્રે  9 થી સવારના 6  કલાક વચ્ચે કામ કરવાની પરવાનગી

મંત્રીએ કહ્યું હતું કે, આજના આધુનિક સમયમાં દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનું પ્રદાન ઝડપભેર વધી રહ્યું છે. મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા મહિલાઓને આરામ માટેના રૂમ, રાત્રિ ઘોડીયાઘર, મહિલા માટેના શૌચાલય, તેમના ગૌરવ, સન્માન અને સલામતીના યોગ્ય રક્ષણ, જાતીય સતામણીથી રક્ષણ તેમજ સંસ્થાથી તેમના નિવાસ સ્થાન સુધી તેમને લાવવા-લઇ જવાની વ્યવસ્થા માલિક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય એવી દુકાન અથવા સંસ્થામાં મહિલા શ્રમયોગીને રાત્રિના 9 કલાકથી સવારના 6  કલાક વચ્ચેના સમયમાં કામ કરવાની પરવાનગી આપી શકાશે. આમ, કામના સ્થળ પર મહિલાની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જોગવાઇ રાજ્ય સરકારે આ કાયદામાં કરી છે.

શ્રમયોગીઓના હિતનું ધ્યાન રાખવામાં આવ્યું 

ગુજરાતે સમગ્ર દેશમાં વિકાસની દિશામાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમ જણાવતા મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે.