Fri May 01 2026

Logo

સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કેટલી ગ્રાન્ટ આપી? પાણીથી કેટલી આવક થઈ, જાણો સરકારનો જવાબ

2026-03-13 14:19:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. આજે ગુજરાત વિધાનસભામાં સરદાર સરોવર યોજનાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના જમલાપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછ્યું કે, 31-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સરદાર સરોવર યોજના માટે કેટલી રકમ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષવાર કેટલી ગ્રાન્ટની ફાળવણી કરી, કેટલી ગ્રાન્ટનો ખર્ચ થયો અને કેટલી રકમ વણવપરાયેલી રહી?

જેનો જવાબ આપતાં સરકારે કહ્યું, 31-01-2026ની સ્થિતિએ સરદાર સરોવર યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન અનુક્રમે રૂ. 11.79 કરોડ અને રૂ, 17.01 કરોડ ગ્રાન્ટની દરખ્સાત કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી હતી  2024-25 દરમિયાન રૂ. 11.769 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે તથા વર્ષ 2025-26માં માંગણી કરેલી ગ્રાન્ટ હાલમાં મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.2024-25 દરમિયાન મળેલી ગ્રાન્ટ પૈકી પૂરેપૂરી ગ્રાન્ટનો ખર્ચ થયો છે.

આ ઉપરાંત અન્ય એક સવારમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ દ્વારા થયેલી આવકનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, 31-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ દ્વારા વર્ષવાર ઉદ્યોગો, કૃષિ અને પીવા માટે કેટલું પાણી આપ્યું અને તેનાથી કેટલી આવક થઈ.

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 01-04-2024થી 31-03-2025 સુધી ઉદ્યોગો, કૃષિ અને પીવા માટે કુલ 8751.68 એમસીએમ પાણી આપવામાં આવ્યું હતું. જ્યારે 01-04-2025 થી 31-01-2026 સુધી5147.02 એમસીએમ પાણી આપવામાં આવ્યું હતું. જેનાથી અનુક્રમે રૂ. 1658.52 કરોડ અને રૂ. 1047.59 કરોડ આવક થઈ છે.