Fri Apr 17 2026

Logo

ગુજરાતના માછીમારો માટે ક્રાંતિકારી 'મધર વેસલ' યોજના: ઊંડા દરિયામાં જ થશે માછલીઓનું પ્રોસેસિંગ!

2026-03-14 19:08:49
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: કૃષિ વિભાગની બજેટ અંગેની પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નવી બાબતો અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં  ગુજરાતમાં પ્રથમવાર ડીપ-સી માછીમારીને પ્રોત્સાહન આપવાની, દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી 'મધર વેસલ્સ' યોજના અમલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તે ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સ્ટ્રક્ચરના કદ અને સહાયમાં વધારો, આગામી સમયમાં ૮ લાખ સેક્સ્ડ સીમેન ડોઝનું ઉત્પાદન, રાજ્યથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી ઊભી થશે મોટી અનાજ સંગ્રહ ક્ષમતા, નવી “ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ ૨૦૨૬” માટે રૂ. ૧૦ કરોડની ટોકન જોગવાઈ સહીતની જાહેરાત કરવામાં આવી હતી. 

ગુજરાતમાં પ્રથમવાર ડીપ-સી માછીમારીને પ્રોત્સાહન

રાજ્યના દરિયાઈ પ્રાદેશિક જળ વિસ્તારની આગળ અને 'એક્સક્લુઝીવ ઇકોનોમિક ઝોન'માં રહેલી મત્સ્ય ઉત્પાદનની વિપુલ તકોને ઝડપી લેવા માટે સરકાર દ્વારા ડીપ સી ફીશીંગ વેસલ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત માછીમારોને ૧૨ નોટિકલ માઈલથી વધુ ઊંડા દરિયામાં એટલે કે, ડીપ-સીમાં જઈને સુરક્ષિત અને આધુનિક પદ્ધતિથી માછીમારી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

હુક અને લાઈન તથા ટ્યુના ફીશીંગ જેવી ટારગેટેડ પદ્ધતિઓ દ્વારા મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરી શકાશે. સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે આર્થિક સહાયની ઉદાર જોગવાઈ કરવામાં આવી છે. આ વેસલની યુનિટ કોસ્ટ રૂ. ૧૨૦ લાખ નક્કી કરવામાં આવી છે, જેના ૫૦% એટલે કે મહત્તમ રૂ. ૬૦ લાખ સુધીની સહાય અથવા ખરેખર થયેલ ખર્ચના ૫૦%, બેમાંથી જે ઓછું હોય તે માછીમારોને મળવાપાત્ર થશે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૩૦ વેસલ્સના ભૌતિક લક્ષ્યાંક સાથે રૂ. ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

દેશમાં સૌ પ્રથમવાર 'મધર વેસલ્સ' યોજનાનો અમલ

ભારત દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત દ્વારા મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી 'મધર વેસલ્સ' યોજના અમલમાં મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ મધર વેસલ, જેને કેરિયર, રિસીવર અથવા ફેક્ટરી વેસલ પણ કહેવાય છે, તે ઊંડા સમુદ્રમાં કાર્યરત માછીમારી બોટોના જૂથને મહત્ત્વની સહાય પૂરી પાડશે. આ વિશાળ જહાજ પર જ માછલીઓનું હાઈજેનિક લેન્ડિંગ, સોર્ટિંગ, પ્રી-પ્રોસેસિંગ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આ વ્યવસ્થાને કારણે માછીમારો દરિયામાં પકડેલા કેચને તુરંત જ મધર વેસલમાં મોકલી શકશે, જ્યાંથી ઉચ્ચ ગુણવત્તા સાથે સીધું જ એક્સપોર્ટ કરી શકાશે, જેના પરિણામે માછીમારોને આર્થિક રીતે મોટો ફાયદો થશે. આ ઉપરાંત, મધર વેસલ લાંબા સમય સુધી સમુદ્રમાં રહેતી સિસ્ટર વેસલ્સને ઇંધણ, પાણી, ખોરાક અને તકનીકી સહાય પૂરી પાડીને બેકબોન તરીકે કાર્ય કરશે. 

આ યોજના ખાસ કરીને દરિયાના 60 નોટિકલ માઈલ પછીના એવા વિસ્તારમાં માછીમારીને વેગ આપવા માટે છે જે અત્યાર સુધી વપરાશ વગર પડતર રહેતો હતો. મધર ફિશિંગ વેસલ્સ માટે યુનિટ કોસ્ટ રૂ. ૫૦ કરોડ નક્કી કરવામાં આવી છે, જેની સામે ૨૫% ના ધોરણે રૂ. ૧૨.૫ કરોડની માતબર સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, FFPO (ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન) અથવા ખાનગી કંપનીઓ લઈ શકે છે.

પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સ્ટ્રક્ચરની સહાયમાં વધારો

ખેડૂતોને ખેતરમાં પોતાના પાકને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માટે નાનું ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર દ્વારા “પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ સહાય આપવામાં આવે છે. અગાઉ ૩૦૦ ચોરસ ફૂટના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા રૂ. ૧ લાખ સુધીની સહાય આપવામાં આવતી હતી.

ચાલુ વર્ષના બજેટમાં સ્ટ્રક્ચરની મર્યાદા વધારીને ૬૦૦ ચોરસ ફૂટ કરવામાં આવી છે તેમજ ખેડૂતોને તેના માટે આપવામાં આવતી સહાય પણ વધારીને રૂ. ૨ લાખ સુધી કરવામાં આવી છે. પરિણામે આ યોજના માટે બજેટમાં જોગવાઈ પણ બમણી કરીને રૂ. ૧૫૪ કરોડ કરવામાં આવી છે તેમ કૃષિ પ્રધાને જાહેરાત કરી હતી.

આગામી સમયમાં ૮ લાખ સેક્સ્ડ સીમેન ડોઝનું ઉત્પાદન કરાશે

રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ પાટણ ખાતે કાર્યરત ‘સેક્સડ સીમેન લેબોરેટરી’ દ્વારા અત્યાર સુધી ૮ લાખ ડોઝનું ઉત્પાદન થયું છે, જેના ઉપયોગથી ૯૦ ટકાથી વધુ એટલે કે ૩૧,૨૬૩ વાછરડી-પાડીઓનો જન્મ થયો છે. પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે રૂ. ૭૦૦ની પડતર કિંમતનો આ ડોઝ સરકાર માત્ર રૂ. ૫૦માં ઉપલબ્ધ કરાવી રહી છે. આગામી સમયમાં વધુ ૮ લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. જેના માટે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રૂ. ૧૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ટેકનોલોજીથી રાજ્યમાં દૂધ ઉત્પાદન વધશે અને રખડતા પશુઓની સમસ્યામાં પણ મોટો ઘટાડો થશે.

ગ્રામ્ય કક્ષા સુધી ઊભી થશે મોટી અનાજ સંગ્રહ ક્ષમતા

ગુજરાતમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવશે. હાલમાં રાજ્યની સંગ્રહ ક્ષમતા મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત હોવાથી ખેડૂતોને પાક લણણી બાદ મજબૂરીમાં નીચા ભાવે વેચાણ કરવું પડે છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્યની ૧૦ હજારથી વધુ ખેતી વિષયક ધિરાણ મંડળીઓ, ૨૮ હજારથી વધુ ખરીદ-વેચાણ સંઘો અને ૨૩ દૂધ સંઘોના વિસ્તૃત માળખાને આ યોજનાનો લાભ મળશે.

દૂધ સંઘો અને અન્ય મંડળીઓએ ઉત્પાદનોના સંગ્રહ માટે ચૂકવવા પડતા મોંઘા ભાડામાં ઘટાડો થશે, જેનો સીધો આર્થિક લાભ પશુપાલકો અને ખેડૂતોને મળશે. નવનિર્મિત ગોડાઉનોનો ઉપયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા સંગ્રહ માટે કરવામાં આવશે, જેથી મંડળીઓને વધારાની ભાડાની આવક થશે.

ખેતી વિષયક ઇનપુટ્સ અને પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા જળવાઈ રહેશે. આ યોજના માટે બજેટમાં રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ યોજના દ્વારા સહકારી મંડળીઓની નફાકારકતા વધશે અને છેવાડાના ખેડૂત સુધી આર્થિક સમૃદ્ધિ પહોંચશે.

નવી “ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ ૨૦૨૬” 

આ યોજનાનો હેતુ મૂલ્યવર્ધન અને ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવાનો, પોસ્ટ-હાર્વેસ્ટ નુકસાન ઘટાડવાનો, ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય અને સ્થિર ભાવ સુનિશ્ચિત કરવા, ફાર્મ-ગેટ સ્તરે પ્રોસેસિંગ સુવિધાઓ વિકસાવવા, કૃષિ આધારિત ઉદ્યોગો અને એગ્રો-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારની નવી તકો ઊભી કરવા, ગુણવત્તા સુધારણા, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ક્ષમતામાં વધારો કરવા, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોની નિકાસ વધારવા તેમજ ખેડૂતોની આવકમાં વધારો કરી કૃષિ ક્ષેત્રનો ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.