ગાંધીનગર: ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર એટલે કે આશરે 85 ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57 ટકાથી વધુ યોગદાન રહ્યું છે.
કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 89 ટકા છે અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સામાન્ય વિસ્તારની સરખામણીએ 107 ટકા વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે.
અડદનું વાવેતર 84,510 હેક્ટરમાં
ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તારના 100 ટકાને વટાવી ગયું છે. સોયાબીનનું સામાન્ય વાવેતર વિસ્તાર સામે સૌથી વધુ 3 લાખ હેક્ટરમાં (107 ટકા) વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદનું વાવેતર 84,510 હેક્ટરમાં (103 ટકા ) સંપન્ન થયું છે.
શાકભાજીનું 2.17 લાખ હેક્ટરમાં વાવેતર
સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું 2.68 લાખ હેક્ટરમાં (95 ટકા), તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં (93 ટકા), ડાંગરનું 7.61 લાખ હેક્ટરમાં (86 ટકા), બાજરીનું 1.51 લાખ હેક્ટરમાં (84 ટકા) અને શાકભાજીનું 2.17 લાખ હેક્ટરમાં (81 ટકા) વાવેતર થઈ ચૂક્યું છે.
ધાન્ય પાકોનું કુલ 11.99 લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 11.99 લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ 87 ટકા વાવેતર નોંધાયું છે. જેમાં 7.61 લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને 2.68 લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર 12,402 હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા 6581 હેક્ટર વાવેતર કરતાં લગભગ બમણું છે.
કઠોળ પાકોનું કુલ વાવેતર 86 ટકા સુધી પહોંચ્યું
કઠોળ પાકોનું કુલ વાવેતર 3.57 લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ 86 ટકા સુધી પહોંચ્યું છે. જેમાં મુખ્યત્વે તુવેરનું 2.38 લાખ હેક્ટર (93 ટકા) અને અડદનું 84,510 હેક્ટર (103 ટકા) વાવેતર થયું છે. જ્યારે મગનું વાવેતર 25,301 હેક્ટર (45 ટકા ) અને મઠનું વાવેતર 8673 હેક્ટર (59 ટકા) નોંધાયું છે.
દિવેલાનું વાવેતર હાલ 2.38 લાખ હેક્ટરમાં
તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 25.93 લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 88 ટકા નોંધાયું છે. જેમાં, મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર હાલ 2.38 લાખ હેક્ટર અને તલનું વાવેતર 14,58 હેક્ટરમાં થયું છે.
ઘાસચારાનું 7.21 લાખ હેક્ટરમાં વાવેતર
જ્યારે અન્ય પાકોમાં, ઘાસચારાનું 7.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સામાન્ય વાવેતર વિસ્તારના 71 ટકા થાય છે. જ્યારે, ગુવાર સીડનું 34,762 હેક્ટરમાં એટલે કે 40 ટકા વાવેતર પૂરું થયું છે.