ગાંધીનગરઃ ભારતમાં રાજકીય પક્ષોને મળેલા દાન અંગે અનેક પ્રકારના પ્રશ્નો અને વિવાદો થતાં હોય છે, પરંતુ જો કોઈ પક્ષ માત્ર કાગળ પર હોય અને તેને કરોડો રૂપિયાનું દાન મળ્યું હોય તેવું પ્રકાશમાં આવે તો. તાજેતરમાં એડીઆર રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં ફક્ત કાગળ પરની પાર્ટીને અધધધ ભંડોળ મળી આવ્યું છે, જે ચર્ચાનું કારણ બન્યું છે. રાજ્યના 6 અમાન્ય રાજકીય પક્ષ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન કુલ રૂ. 1,700 કરોડથી વધુનું શંકાસ્પદ દાન મળ્યું છે, જેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
દેશના મુખ્ય પક્ષો કરતા પણ વધારે દાન મેળવ્યું!
વિગતે વાત કરવામાં આવે તો, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ચૂંટણી પંચના આંકડા મુજબ, આ છ અનામી પક્ષોનું ભંડોળ દેશના પાંચ મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના સંયુક્ત દાન રૂપિયા 1480 કરોડ કરતાં પણ વધારે છે, જેના કારણે આ વિવાદ અને પ્રશ્નો થઈ રહ્યાં છે. વિવાદના કેન્દ્રમાં રહેલા આ પક્ષોમાં આમ જનમત પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, ગરીબ કલ્યાણ પાર્ટી, ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી અને સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કરોડોનું ફંડ મેળવનારા આમાંથી 4 પક્ષ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ સરનામે નોંધાયેલા છે.
નહીવત્ જનસમર્થન પણ કરોડોનું દાન મળ્યું?
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019થી 2024 દરમિયાન આ પક્ષોએ કુલ રૂપિયા 2316 કરોડથી વધુની આવક દર્શાવી હતી, પરંતુ વાસ્તવિક ચૂંટણી મેદાનમાં આ તમામ પક્ષોને ચૂંટણીઓ દરમિયાન કુલ મળીને માત્ર 22,000 જેટલા જ મતો મળ્યા હતા. જમીની સ્તરની વાત કરીએ તો નહીંવત્ જનસમર્થન હોવા છતાં આટલા રૂપિયાનું દાન આવ્યું? જે લોકશાહી પ્રક્રિયા અને નાણાકીય પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ADRના અહેવાલ મુજબ, પક્ષોને મળેલા આ દાનમાં દાતાઓના સાચા નામ, પૂરા સરનામા કે PAN જેવી અત્યંત આવશ્યક વિગતો અપૂર્ણ અથવા ગાયબ છે. રાજકીય પક્ષોને મળતી ટેક્સ છૂટછાટનો દુરુપયોગ કરીને ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગ આચરવામાં આવી રહ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
ADRના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ચોંકાવનારા ADRના અહેવાલ પ્રમાણે આ પક્ષો દ્વારા રોકડ કૂપનો, નામના ઉલ્લેખ વગરના ચેક તેમ જ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે બેંક ખાતામાં મોટી રકમો જમા કરાવી તેને કાયદેસરનું દાન દર્શાવવાની શંકાસ્પદ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી.
આ વિવાદમાં રૂપિયા 330 કરોડનું ફંડિંગ મેળવનારી સત્યવાદી રક્ષક પાર્ટીનું સરનામું આણંદમાં નોંધાયું હતું, જે સરનામે તપાસ કરવામાં આવી તો ત્યાં કોઈ બોર્ડ કે પોસ્ટર જોવા મળ્યું નહોતું અને ફ્લેટને તાળું મારેલું હતું! આટલી મોટી રકમનું ફંડિંગ ધરાવતી પાર્ટીનું કાર્યાલય બંધ મળતા આ સમગ્ર મામલે તપાસ વધુ ઘેરી બની છે. આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.