Mon Sep 14 2026

Logo

ગુજરાતમાં રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા 14590 કેસોનો નિકાલ કરાયો

2026-03-14 15:36:00
Author: chandrakant Kanoja
ગુજરાતમાં રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા 14590 કેસોનો નિકાલ કરાયો

ગાંધીનગર: વિશ્વભરમાં ગ્રાહકોને તેમના અધિકારો વિશે માહિતગાર કરવા માટે દર વર્ષે 15મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે  રાજ્ય સરકાર ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિવારણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2025ની વાત કરીએ તો, રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા અનુક્રમે 1,670 અને 12,920  કેસો મળીને કુલ 14590 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનો હેલ્પ લાઇન નંબર 14437 કાર્યરત

ગુજરાતમાં ગ્રાહકોને તેમના અધિકારો વિશે શિક્ષિત કરવા અને રાજ્યમાં ન્યાયી વેપાર પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નોંધપાત્ર પગલાં લીધાં છે. રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પોર્ટલ- ઈ જાગૃતિ અને 1915 હેલ્પલાઈન ઉપરાંત, રાજ્ય સ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે રાજ્ય સરકારનો હેલ્પ લાઇન નંબર 14437 કાર્યરત છે, જેમાં ગ્રાહકોને લગતી ફરિયાદો અંગે તેઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ હેલ્પલાઇન ઑક્ટોબર 2024થી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજ દિન સુધીમાં 22,700થી વધુ ગ્રાહકોને મદદ પૂરી પાડવામાં આવી છે.

2025માં રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા અનુક્રમે 1,670 અને 12,920 કેસોનો નિકાલ કરવામાં આવ્યો
ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 2,047 તથા તાબાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 18,166 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી અનુક્રમે 1670 અને 12,920 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 2025-26માં યોજાયેલ લોક અદાલત દ્વારા 246 કેસોમાં ₹4.34 કરોડથી વધુનું પરસ્પર સમાધાન લાવી પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. લોક અદાલત એક એવું મંચ છે જ્યાં પંચાયત પહેલાં પેન્ડિંગ કેસો અથવા કાયદાની અદાલતમાં પ્રિ-લિટીગેશન સ્ટેજ પર પતાવટ કરવામાં આવે છે.

સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ થીમ 

આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2026ની ઉજવણી  "સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ"  થીમ હેઠળ કરવામાં આવી રહી છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાન ઓનલાઇન અને ઓફલાઇન વેચાતા જોખમી અથવા અસુરક્ષિત ઉત્પાદનો સામે કડક નિયમો અને દેખરેખ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ સાથે પ્રોડક્ટ સુરક્ષિત છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે સરકાર, ઉદ્યોગો અને ગ્રાહકો વચ્ચે સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર વાર્ષિક 1.25 કરોડ જેટલો ખર્ચ કરે છે

રાજ્યના નાગરિકોમાં ગ્રાહક તરીકેની જાગૃતિ વધે, રાજ્યનું યુવાધન ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિમાં જોડાવા પ્રેરાય તેમજ રાજ્યમાં ગ્રાહક પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી કન્‍ઝયુમર્સ કલબની યોજના શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 2,500 કન્‍ઝયુમર્સ કલબ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જિલ્‍લાવાર એક સંકલન એજન્‍સી તરીકે માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળ કામગીરી કરે છે. રાજ્ય સરકાર દ્વારા ક્લબ દીઠ ₹ 5,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે, જે માટે રાજ્ય સરકાર વાર્ષિક 1.25 કરોડ જેટલો ખર્ચ કરે છે.