નવી દિલ્હી: કેબ અથવા બાઇક ટેક્સી બુક કરતા પહેલાં જ ચાલકને ટીપ આપવાનો વિકલ્પ આપતી વાહન સેવા આપતી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગે કેબ સેવા આપનારી કંપનીઓને મુસાફરી શરૂ થાય તે પહેલાં ટિપ આપવાનો વિકલ્પ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રકરણે રેપિડોને ₹ 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ આવી વ્યવસ્થા ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.
ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન પર કેબ સેવા આપતી કંપનીઓ અંગે અનેક ફરિયાદો મળી હતી. ફરિયાદોમાં જણાવાયું હતું કે મુસાફરી બુક કરતા પહેલાં જ ટિપ આપવાનો વિકલ્પ દર્શાવવામાં આવે છે. તેના કારણે કેટલાક ગ્રાહકોને એવું લાગી શકે છે કે ટિપ આપ્યા વિના તેમની મુસાફરી સરળતાથી નક્કી નહીં થાય.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટિપ આપવી કે નહીં તે સંપૂર્ણપણે ગ્રાહકની પોતાની પસંદગી હોવી જોઈએ. મુસાફરી શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે ગ્રાહક પર કોઈ પણ પ્રકારનું દબાણ ન હોવું જોઈએ. સરકારના મતે આવી રીત ગ્રાહકને વધારાની રકમ ચૂકવવા તરફ દોરી શકે છે અને તેને એક અયોગ્ય વેપારી પ્રથા તરીકે જોવામાં આવી શકે છે.
આ મામલે રેપિડો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ Rapidoનું સંચાલન કરતી કંપની પર ₹ 10 લાખનો દંડ ફટકાર્યો છે. ઓથોરિટીએ એપના રાઈડ-બુકિંગ ઇન્ટરફેસમાં એડવાન્સ ટિપ ઉપરાંત ‘કન્ફર્મ શેમિંગ’ અને ‘ઇન્ટરફેસ ઇન્ટરફિયરન્સ’ જેવી ડાર્ક પેટર્ન જેવી પ્રક્રિયા અંગે પણ વાંધો ઉઠાવ્યો છે.
દરમિયાન Uber અને Ola જેવી અન્ય કેબ સેવાઓની પ્રથાઓ પણ CCPAની તપાસ હેઠળ હોવાનું સામે આવ્યું છે. સરકાર હાલમાં આ પ્લેટફોર્મ્સ પર એડવાન્સ ટિપ અને અન્ય ગ્રાહક-ઈન્ટરફેસ સંબંધિત વ્યવસ્થાઓની તપાસ કરી રહી છે. જોકે આ કંપનીઓ અંગે તપાસ હજુ ચાલુ હોવાથી તેમના વિરુદ્ધ અંતિમ નિર્ણય જાહેર થયો નથી.
સરકારની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કેબ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો અને ગ્રાહકોને વધારાની ચુકવણી માટે ગેરમાર્ગે દોરતી ડિજિટલ વ્યવસ્થાઓથી બચાવવાનો છે. હવે કેબ એગ્રીગેટર્સે તેમના એપ ઇન્ટરફેસમાં આવા એડવાન્સ ટીપિંગ વિકલ્પો અંગે નિયમનકારી નિર્દેશોનું પાલન કરવું પડશે.