ભુજઃ સરહદી જિલ્લા કચ્છના પ્રવેશદ્વાર સમાન આડેસર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાધનપુર-સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વન વિભાગની કચેરી નજીક આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનને ભૂ-માફિયાના ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવી, હવે તે જ સ્થળે આડેસર પોલીસ મથકની નવી અને અત્યાધુનિક ઇમારત બનાવવાની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આજે વિધિવત રીતે આ જમીનનો કબ્જો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, આડેસરમાં હાઇવે પર આવેલી આશરે ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ અને કિંમતી સરકારી જમીન પર હારૂન અયુબ હિંગોરજા નામના શખ્સે ગેરકાયદેસર રીતે દબાણ કરીને ત્યાં ‘સહારા હોટેલ’ ઊભી કરી દીધી હતી. સ્થાનિક મહેસૂલ તંત્ર અને પોલીસે કડક વલણ અપનાવીને ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું અને આ સરકારી જમીન પરથી હોટેલનું તમામ બિનઅધિકૃત બાંધકામ સંપૂર્ણપણે તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી. આ દબાણમુક્ત કરાયેલી જમીનનો લોકહિત અને સરકારી તંત્રના ઉપયોગ માટે કાયમી વપરાશ થાય તે હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ત્યાં નવું પોલીસ મથક બનાવવા દરખાસ્ત કરવામાં આવી હતી, જેને તાકીદે મંજૂરી મળી ગઈ હતી.
નવીન પોલીસ સ્ટેશનના નિર્માણકાર્યની પૂર્વ તૈયારીના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, આડેસર પી.આઈ જે.બી. આચાર્ય સહિતના અધિકારીઓએ સ્ટાફ સાથે આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરી જરૂરી નકશા, ડિઝાઇન અને બાંધકામના આયોજન અંગે સ્થળ પર જ ચર્ચા-વિચારણા કરી હતી.
આ સૂચિત હાઈટેક પોલીસ મથકમાં પીઆઈ ચેમ્બર, અદ્યતન સ્ટાફ રૂમ, ક્રાઇમ રેકોર્ડ રૂમ, પીએસઓ રૂમ, તમામ સુરક્ષા સુવિધાઓથી સજ્જ લોકઅપ, સરકારી અને મુલાકાતીઓના વાહનો માટે વિશાળ પાર્કિંગ તેમજ પર્યાવરણની જાળવણી માટે એક સુંદર બગીચો પણ વિકસાવવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જ આ નવું પોલીસ મથક કાર્યરત થવાથી આગામી સમયમાં હાઇવે પેટ્રોલિંગ વધુ વેગવંત બનશે અને સરહદી વિસ્તારની કાયદો-વ્યવસ્થા તેમજ ગુનાખોરી નિયંત્રણમાં ફાયદો થશે.
(ઉત્સવ વૈદ્ય)