મુંબઈ: ગોરેગામના નેસ્કો સેન્ટરમાં આયોજિત મ્યુઝિકલ કૉન્સર્ટમાં ડ્રગ્સના ઑવરડોઝને કારણે બે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસ કરનારી પોલીસે વધુ એક સ્ટુડન્ટની ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થી ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
વનરાઈ પોલીસે શનિવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આયુષ સાહિત્ય (24) તરીકે થઈ હતી. ડ્રગ્સ સપ્લાયની તપાસ દરમિયાન આયુષની ભૂમિકા સ્પષ્ટ થતાં તેને થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાંથી તાબામાં લેવાયો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આયુષની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આયુષે આ કેસમાં ધરપકડ કરાયેલા કલ્યાણના બિલ્ડર આનંદ પટેલને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. તે પટેલના સતત સંપર્કમાં હતો. આયુષ પણ કૉલેજ સ્ટુડન્ટ છે અને તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નેસ્કો સેન્ટરના હૉલ નંબર-પાંચમાં 11 એપ્રિલની રાતે યોજાયેલા મ્યુઝિક કૉન્સર્ટમાં દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીની તબિયત લથડી હતી. કથિત ડ્રગ્સના ઑવરડોઝ પછી શરાબનું સેવન કરવાને કારણે સ્ટુડન્ટ્સને હૉસ્પિટલભેગા કરવા પડ્યા હોવાનું કહેવાય છે. સારવાર દરમિયાન એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનાં મોત થયાં હતાં, જ્યારે એક વિદ્યાર્થિની બૉમ્બે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ત્રણેય સ્ટુડન્ટ્સ વીસેક વિદ્યાર્થી સાથે કૉન્સર્ટમાં ગયા હતા. અન્ય વિદ્યાર્થીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહીં તે જાણી શકાયું નહોતું. બે સ્ટુડન્ટનાં મોતને પગલે ભારે હોબાળો મચતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં અગાઉ આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં આયોજકો, ડ્રગ્સ સપ્લાયર અને સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે. આયુષના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા નવ પર પહોંચી હતી.