Thu Aug 20 2026

Logo

ગિફ્ટ સિટી WTC પ્રોજેક્ટ: GujRERAનો મોટો આદેશ, 24 ખરીદદારોને વ્યાજ સાથે પૈસા પરત કરવા પડશે

2026-03-20 12:29:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગર: એક સમયે ગિફ્ટ સિટીમાં રોકાણ માટે પડાપડી થતી હતી. આ દરમિયાન ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ મોટો આદેશ આપ્યો છે. ગુજરેરાએ ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પ્રોજેક્ટના ડેવલપરને 24 ખરીદદારો દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે. પેમેન્ટ સ્કીમ હેઠળ વચન આપેલ વળતર અને યુનિટનો કબજો આપવામાં નિષ્ફળ રહેતા રેટાએ 5 માર્ચના રોજ આ મહત્વનો આદેશ કર્યો હતો.

શું હતો વિવાદ?

આ વિવાદ ગાંધીનગરમાં ફેઝ-1 અને ફેઝ-2 હેઠળના ટાવર A, B, C અને D સાથે સંબંધિત છે. અહેવાલો મુજબ, ટાવર A અને D ને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે અને ટાવર B નું કામ પૂર્ણ થવાના આરે છે, જ્યારે ટાવર C નું બાંધકામ હજુ ચાલુ છે. રેરાના જણાવ્યા અનુસાર, ખરીદદારોએ કુલ રકમના લગભગ 95% ચૂકવી દીધા હતા, તેમ છતાં ડેવલપરે ન તો કબજો સોંપ્યો કે ન તો સ્કીમ મુજબ વચન આપેલું વળતર ચૂકવ્યું હતું.

ડેવલપરની દલીલ અને રેરાનો નિર્ણય

ડેવલપરે દલીલ કરી હતી કે એસ્યોર્ડ રિટર્નના કરારો વ્યાપારી વ્યવહારો છે. જે રેરાની સત્તાક્ષેત્રની બહાર છે અને ફરિયાદીઓને નાણાકીય લેણદારો તરીકે ગણવા જોઈએ. જોકે, ઓથોરિટીએ આ દલીલ ફગાવી દીધી હતી અને ચુકાદો આપ્યો હતો કે આ કેસ રેરા એક્ટ, 2016ની જોગવાઈઓ હેઠળ જ આવે છે.

નાણાકીય ગેરરીતિઓ અને તપાસ

રેરાએ નોંધ્યું હતું કે કથિત નાણાકીય ગેરરીતિઓને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. ગુજરાત બહાર સ્થિત કંપની અને તેના ડિરેક્ટરો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નાણાકીય રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગિફ્ટ સિટી ઓથોરિટીએ રેરને જાણ કરી છે કે પ્રોજેક્ટની જમીનનો લીઝ એગ્રીમેન્ટ રદ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ડેવલપમેન્ટ પરમિશન પણ પાછી ખેંચાઈ શકે છે.

વ્યાજ સાથે રિફંડનો આદેશ

આદેશ મુજબ, ડેવલપરે તમામ 24 ખરીદદારોને ચૂકવેલી રકમ 9 થી 10 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાની રહેશે. આ વ્યાજની ગણતરી દરેક પેમેન્ટની તારીખથી લઈને સંપૂર્ણ ચુકવણી થાય ત્યાં સુધીની કરવામાં આવશે.