બર્લિન: ઇરાન સાથે છેડાયેલા યુદ્ધ બાદ સમુદ્રમાર્ગે થતાં આંતરરાષ્ટ્રીય વેપારને મોટા પાયે અસર પહોંચી છે. ખાસ કરીને ઈરાન દ્વારા હોર્મુઝની સ્ટ્રેઇટમાંથી જહાજો પસાર નહિ થવા દેવાની કાર્યવાહીથી વિશ્વ વ્યાપારમાં મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે હવે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય દેશોનો સંઘ બનાવવા મથી રહ્યા છે, પરતું અમેરિકાને હજુ સુધી એકપણ દેશનો ટેકો મળ્યો નથી. જર્મનીએ તો આ મામલે ટ્રમ્પને રોકડું પરખાવતા કહી દીધું કે અમને પૂછીને યુદ્ધ નહોતું શરૂ કર્યું!
જર્મની સરકારે હોર્મુઝની સ્ટ્રેઇટને સુરક્ષિત કરવામાં મદદ કરવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માંગને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. જર્મનીએ જાહેર કર્યું છે કે આ યુદ્ધ સાથે નાટો (NATO) ગઠબંધનને કોઈ લેવાદેવા નથી અને તે આ જંગનો હિસ્સો બનશે નહીં. જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મર્ઝના પ્રવક્તા સ્ટેફન કોર્નેલિયસે બર્લિનમાં પત્રકારોને જણાવ્યું હતું કે નાટો એક રક્ષણાત્મક ગઠબંધન છે જે તેના પ્રદેશના સંરક્ષણ માટે છે, અને આ વર્તમાન યુદ્ધ નાટોનું યુદ્ધ નથી.
ઉલ્લેખનીય છે કે, રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સાથી દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેઇટને ફરીથી ખોલવા માટે અમેરિકાને મદદ કરવાનો ઇનકાર કરશે, તો તેમને "ખૂબ જ ખરાબ ભવિષ્ય" નો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પ યુરોપિયન દેશો પર આ દરિયાઈ માર્ગને સુરક્ષિત રાખવા માટે સૈન્ય સહાય આપવાનું દબાણ કરી રહ્યા છે. જોકે, જર્મનીએ મક્કમતાપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ લશ્કરી માધ્યમથી આ મિશનમાં કોઈ પણ પ્રકારની સંડોવણી રાખશે નહીં.
જર્મનીએ અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે યુદ્ધ શરૂ કરતા પહેલા અમેરિકા કે ઈઝરાયલે તેમની સાથે કોઈ વાતચીત કરી નહોતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વોશિંગ્ટને યુદ્ધની શરૂઆતમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે યુરોપિયન સહાયની ન તો જરૂર છે અને ન તો તેની ઈચ્છા છે. શરૂઆતમાં ચાન્સેલર ફ્રીડ્રિચ મર્ઝ અન્ય યુરોપિયન નેતાઓ કરતા અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ પ્રત્યે વધુ સહાયક હતા, પરંતુ હવે યુદ્ધ લંબાતા જર્મનીના વલણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.