Wed Sep 16 2026

Logo

આઈસક્રીમ પ્રેમીઓ માટે માઠા સમાચાર, ગેસ પુરવઠો ખોરવાતાં કોન અને આઈસ્ક્રીમ થશે મોંઘા

2026-03-12 10:27:00
Author: Mayur Patel
આઈસક્રીમ પ્રેમીઓ માટે માઠા સમાચાર, ગેસ પુરવઠો ખોરવાતાં કોન અને આઈસ્ક્રીમ થશે મોંઘા

અમદાવાદઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર ગુજરાતના આઈસક્રીમ બજાર પર પણ પડી રહી છે. ગેસ પુરવઠો ખોરવાતાં રાજ્યના આઈસક્રીમ ઉત્પાદકો ઉનાળાની શરૂઆતમાં જ કોનની અછતનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના કારણે રાજ્યમાં કોને પેકેજિંગના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે.

આઈસક્રીમની કિંમતમાં પણ 10 ટકા સુધીનો થઈ શકે વધારો

આઈસક્રીમ મેન્યુફેક્ચરર્સના કહેવા પ્રમાણે, ઉનાળાની શરૂઆત ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો સમય હોય છે, ત્યારે જ અછત દેખાવા માંડી છે. જો સ્થિતિ નહીં સુધે તો આગામી મહિનાઓમાં પુરવઠો વધુ ઘટી શકે છે. જેના કારણે એપ્રિલ મહિનામાં આઈસક્રીમની કિંમતમાં પણ 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

કેમ ઘટ્યું કોનનું ઉત્પાદન

સૂત્રોએ જણાવ્યું કે, ગેસ સપ્લાયમાં કાપની અસર કોન અને પેકેજિંગ મટિરિયલ્સ પર દેખાવા લાગી છે. મોટભાગની કંપનીઓ અન્ય સપ્લાયર્સ પાસેથી કોન મેળવે છે, અલગ અલગ વસ્તુઓના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. કોનનું ઉત્પાદન ઘટવાનું કારણે તેના ઉત્પાદકો ઈંધણ તરીકે ગેસ પર નિર્ભર છે.ગેસની ઓછી ઉપલબ્ધતાને કારણે પ્રોડક્શન ઘટ્યું છે, જેનાથી ઉનાળા દરમિયાન માંગ પૂરી નહીં થઈ શકે તો ભાવ વધારવાની ફરજ પડશે.

ઉનાળાની સીઝનનો આઈસક્રીમ વાર્ષિક વેચાણમાં 50 ટકાથી વધુનો હિસ્સો

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, ઉનાળાની સીઝનનો આઈસક્રીમ વાર્ષિક વેચાણમાં 50 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. હજુ તો રાજ્યમાં ગરમીનો પ્રારંભ થયો છે ત્યાં ઈરાન યુદ્ધના કારણે ગેસની અછત સર્જાઈ છે. તમામ કોન ઉત્પાદકો ગેસનો ઉપયોગ કરે છે અને વર્તમાન સ્થિતિમાં તેમનું ઉત્પાદન ઘટ્યું છે. જો સ્થિતિ નહીં સુધરે તો આગામી મહિનાઓમાં કોન સપ્લાય પર તેની માઠી અસર થશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, આઈસ્ક્રીમ ઉત્પાદકો માટે આશરે 25 ટકા  પ્રોડક્ટ્સ ગેસ પર નિર્ભર છે, જેમાં કોન, આઈસ્ક્રીમ કેક અને બેકરી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ રોસ્ટિંગની પ્રક્રિયા પણ ગેસ પર નિર્ભર હોવાથી તેને પણ અસર થવાની શક્યતા છે. કોન સેગમેન્ટમાં ગેસની અછતની સ્પષ્ટ અસર છે. નવા ઓર્ડર માટે સપ્લાયરોએ કિંમતોમાં 25-30 ટકા નો વધારો કર્યો છે. આ વખતે કાચો માલ ગત ઉનાળાની સરખામણીએ સરેરાશ 10 ટકા મોંઘો થયો હોવાથી આઈસ્ક્રીમના ભાવ પર અસર પડશે.