Mon Oct 05 2026

Logo

હેં... ખરેખર: ભારતનું ગ્રાન્ડ કેન્યોન જોવું હોય તો ચાલો ગંડીકોટા...

2026-08-09 10:06:00
Author: Praful Shah
હેં... ખરેખર: ભારતનું ગ્રાન્ડ કેન્યોન જોવું હોય તો ચાલો ગંડીકોટા...

 

 

 

! - પ્રફુલ શાહ

 

ગ્રાન્ડ કેન્યોન, અમેરિકાનામાં સ્થિત વિશ્વની સૌથી ભવ્ય કુદરતી અજાયબીઓમાંનું એક છે. યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઇટ ગણાવાયેલા ગ્રાન્ડ કેન્યોન જોવા દર વર્ષે અંદાજે 50 લાખથી વધુ પ્રવાસીઓ જાય છે. માનો યા ન માનો અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તના 

સમયે ખડકોના રંગો સતત બદલાતા દેખાય છે.

 

પરંતુ અમેરિકા જવું બધા માટે આસાન નથી. નો પ્રોબ્લેમ. આપણે ભારતના ગ્રાન્ડ કેન્યોન ચોક્કસ જઇ શકીએ. પણ.. પણ.. પણ ભારતમાં ગ્રાન્ડ કેન્યોન? હા, આંધ્ર પ્રદેશનું ગંડીકોટા તેના અદ્ભુત ખીણના દૃશ્યોને લીધે ‘ભારતના ગ્રાન્ડ કેન્યોન’ તરીકે પણ ઓળખાય છે.

 

આ દેશી ગ્રાન્ડ કેન્યોન ગંડીકોટા આંધ્ર પ્રદેશના કડપા જિલ્લાનું અદ્ભુત, અનન્ય, ઐતિહાસિક અને કુદરતી સ્થળ છે. સૌથી પહેલાં જાણીએ ‘ગંડીકોટા’નો અર્થ. તેલુગુ ભાષામાં ‘ગંડી’ એટલે ખીણ અને ‘કોટા’ એટલે કિલ્લો. તો આ છે ‘ખીણ પર આવેલો કિલ્લો.’

 

અહીં પેન્ના નદીએ લાખો વર્ષમાં લાલ રંગના પથ્થરોને કોતરીને ભવ્ય ખીણની રચના કરી હતી. સ્વાભાવિક છે કે કિલ્લો તો કોઇકે બનાવ્યો જ હોવો જોઈએ. આ ગંડીકોટા કિલ્લો છેક ઈ.સ. 1123થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. આના પર અનેક રાજવંશોએ શાસન કર્યું હતું. અહીં કાકતીય, વિજયનગર સામ્રાજ્ય, કુત્બશાહી, મુઘલ અને મૈસૂર સહિત અનેક રાજવંશોએ શાસન કર્યું હતું. એટલે જ કિલ્લાની અંદર માધવરાય મંદિર, રંગનાથસ્વામી મંદિર, અનાજ ભંડાર, જેલ, પ્રાચીન જળસંગ્રહની રચનાઓ, અનાજ ભંડાર, તોપખાનું અને મસ્જિદ જોવા મળે છે. આ વિસ્તાર એક સમયે હીરાની ખાણો માટેય જાણીતો હતો.  

 

ગંડીકોટાની ખીણ આશરે 200 મીટર પહોળી છે અને લાલ તથા ક્વાર્ટ્ઝાઇટ પથ્થરોની ઊંચી દીવાલો તેને અત્યંત ભવ્ય બનાવે છે. 

 

અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દૃશ્ય અત્યંત મનોહર ગણાય છે. 

 

વિખ્યાત તેલુગુ કવિ યોગી વેમાનાનું ગંડીકોટા વિસ્તાર સાથે જોડાણ હોવાનું માનવામાં આવે છે. તેઓ દક્ષિણ ભારતના પ્રખ્યાત કવિ, સંત અને સમાજસુધારક હતા. તેમણે સરળ ભાષામાં નૈતિકતા, સમાનતા અને માનવતાનો સંદેશ આપતા હજારો સૂક્તિઓ રચી હતી. તેમની કવિતાઓમાં અંધશ્રદ્ધા, પાખંડ અને જાતિભેદ પર કટાક્ષ જોવા મળે છે. આજે પણ તેમના વિચારો તેલુગુ સાહિત્ય અને લોકચિંતનમાં પ્રેરણાદાયક માનવામાં આવે છે.

 

ગંડીકોટા ફિલ્મો, ફોટોગ્રાફી, ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે ઝડપથી લોકપ્રિય બનતું સ્થળ છે. પરંતુ તેની ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતા પણ છે. અહિંની ખીણ લાખો વર્ષ સુધી પેન્ના નદીના સતત ધોવાણથી બની હોવાથી તે ભારતનું મહત્ત્વપૂર્ણ ભૂસ્તરશાસ્ત્રીય વારસો પણ છે જ. 

 

ગંડીકોટા કુદરતી સૌંદર્ય, ભૂસ્તરશાસ્ત્ર અને મધ્યયુગીન ભારતીય ઇતિહાસનો અનોખો સંગમ છે. તેથી જ તેને ભારતના સૌથી મનોહર છતાં ઓછા જાણીતા પર્યટન સ્થળોમાં તેનું સ્થાન છે. 

 

ગંડીકોટાની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી ગણાય છે. ચોમાસા પછી ખીણ અને પેન્ના નદીનું સૌંદર્ય વધુ આકર્ષક બની જાય છે. અહિંની મુલાકાતના મુખ્ય આકર્ષણોમાં પેન્ના નદીની ઊંડી અને ભવ્ય ખીણ, ગંડીકોટા કિલ્લો, માધવરાય સ્વામી મંદિર, રઘુનાથ મંદિર અને સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત દૃશ્યો છે. 

 

ફોટોગ્રાફી અને ટ્રેકિંગ માટે આ ઉત્તમ સ્થળ ગણાય છે. અહીં કેમ્પિંગ, કાયકિંગ, રેપેલિંગ, ટ્રેકિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ લોકપ્રિય છે.  

 

એક રસપ્રદ વાત એ કે ગંડીકોટાને પ્રથમ વખત જોતા ઘણા પ્રવાસીઓ સાનંદ આશ્ર્ચર્ય વ્યક્ત કરે છે કે, ઓ માય ગોડ! ભારતમાં પણ આવું ભવ્ય કેન્યોન છે?