Wed Sep 02 2026

Logo

અડાલજ હાઈવે પર ખાડાએ યુવાનનો ભોગ લીધો; 12 દિવસની સારવાર બાદ દમ તોડ્યો...

2026-03-07 16:07:00
Author: Devayat Khatana
અડાલજ હાઈવે પર ખાડાએ યુવાનનો ભોગ લીધો; 12 દિવસની સારવાર બાદ દમ તોડ્યો...

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં બાર દિવસ પહેલા અડાલજ નજીક એસ.જી. હાઇવે પર આવેલા બટરફ્લાય સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩૭ વર્ષીય યુવાન ગોવિંદભાઈ શંકરભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. ગત ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૮:૧૫ વાગ્યાના સુમારે ગોવિંદભાઈ પોતાનું એકટીવા લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રોડ પરના ખાડામાં વાહન ખાબકતા તેઓ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતા જ પરિવારજનો તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (અસારવા) ખાતે રિફર કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ ગત ૬ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૧૫ વાગ્યે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક કલોલના રહેવાસી હતા અને સરગાસણ વિસ્તારમાં મોચીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

આ મામલે મૃતકના પિતા શંકરભાઇ હિરાભાઇ ચૌહાણે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૧૭૩ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અડાલજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI)એ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.