Sun Sep 13 2026

Logo

ગાંધીનગર કોર્પોરેશનની બે યુવતીએ સાથે કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કર્યો, છેલ્લો ફોન કોને કર્યો ?

2026-03-07 12:04:00
Author: Mayur Patel
ગાંધીનગર કોર્પોરેશનની બે યુવતીએ સાથે કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કર્યો, છેલ્લો ફોન કોને કર્યો ?

ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બે મહિલા કર્મીએ કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોને ફોન કર્યા બાદ બંનેએ મોતની છલાંગ લગાવી હતી. કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને મૃતદેહ બહાર કાઢીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને મૃતક મહિલા અમદાવાદમાં રહેતી હતી.

કેનાલમાં ઝંપલાવતા પહેલા પરિવારનો કર્યો ફોન

મળતી વિગત પ્રમાણે, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ(ઉં. વ. 26, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉં. વ. 24, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં પડતા પહેલા બંનેએ પોતપોતાના પરિજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમના મૃતદેહ છેક ઝુંડાલ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. બંનએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, હાલમાં આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી કે સ્યુસાઇડ નોટ પણ મળી નથી. બંને યુવતીઓએ ઘરે ફોન કરીને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.