Mon Sep 07 2026

Logo

ગાંધીનગરમાં નકલી ફાધરની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી 31 લાખ પડાવનાર મહિલા સામે ગુનો દાખલ

2026-07-30 19:17:07
Author: Devayat Khatana
ગાંધીનગરમાં નકલી ફાધરની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી 31 લાખ પડાવનાર મહિલા સામે ગુનો દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં એક બોગસ મહિલા વકીલ સામે કરોડો રૂપિયાની જમીનનો સોદો કરી છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ચાંદખેડામાં રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ વ્યવસાયિકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉર્વશી ડાભી નામની મહિલાએ પોતાની ઓળખ હાઇકોર્ટના વકીલ અને વિજિલન્સ ઓફિસર તરીકે આપી હતી. આ મહિલાએ સાબરમતી સેવા સંઘ કેથોલિક આશ્રમના ટ્રસ્ટી હોવાનો દાવો કરી અમીયાપુર ગામની જમીન રૂપિયા 21.50 કરોડમાં વેચવાનો સોદો નક્કી કર્યો હતો.  

આ સોદા પેટે આરોપી મહિલાએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા 31 લાખ પડાવ્યા હતા. લોકોનો વિશ્વાસ જીતવા માટે ઉર્વશીએ બોગસ ફાધરને ઊભા કરી, તેમની બનાવટી સહીવાળી પાવર ઓફ એટર્ની પણ રજૂ કરી હતી. જોકે, સમય જતાં જમીનના દસ્તાવેજ કે એન.એ.ની કાર્યવાહી ન થતાં, ફરિયાદીએ જાતે વડોદરા જઈને અસલી ફાધરની મુલાકાત લેતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અસલી ફાધરે આવી કોઈ જ પાવર ઓફ એટર્ની આપી ન હોવાનું અને તેમાં પોતાની સહી ખોટી હોવાનું જણાવતા ફરિયાદીને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો.  

છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ જ્યારે ઉર્વશી ડાભીનો સંપર્ક કરી પોતાના બાકી નીકળતા રૂપિયા 28 લાખ પરત માંગ્યા, ત્યારે તેણે રિવોલ્વર હોવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, પોતે મહિલા વકીલ હોવાનો રોફ જમાવી એટ્રોસિટી અને છેડતીના ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસ અધિક્ષકની કચેરીમાં અરજી થયા બાદ, અંતે અડાલજ પોલીસે ઉર્વશી ડાભી સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.