Thu Aug 20 2026

Logo

ગાંધીધામના વેપારી સાથે 10 કરોડની લોનના નામે 25 લાખની છેતરપિંડી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

2026-03-19 15:43:33
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં લોન અપાવવાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની ભાગોળે આવેલી એક શિપિંગ-ટ્રેડિંગ પેઢીના સંચાલકને રૂા. 10 કરોડની લોન પાસ કરાવી આપવાની લાલચ આપી, કમિશન પેટે રૂા. 25 લાખ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ગાંધીધામ પોલીસે એક મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને 'કચ્છ આર્કેડ પ્લેટેનિયમ' બિલ્ડિંગમાં એસ.એસ.એન્ટરપ્રાઇઝ નામની શિપિંગ-ટ્રેડિંગ પેઢી ચલાવતા અશ્વિનસિંહ સુરસિંહ સોઢાને બે વર્ષ પૂર્વે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર શખ્સે પોતાની ઓળખ અમદાવાદના દિલીપ મકવાણા તરીકે આપી હતી. વાતોના વળગણમાં દિલીપે અશ્વિનસિંહને તેમની પેઢી માટે મોટી લોન જોઇતી હોય તો તે કરાવી આપવાની ઓફર કરી હતી.

ફરિયાદીએ લોનમાં રસ દાખવતા દિલીપે અમદાવાદના કલ્પેશસિંહ ઘનશ્યામસિંહ ઝાલા સાથે સંપર્ક કરાવ્યો હતો. કલ્પેશે વિશ્વાસ જીતવા માટે જણાવ્યું હતું કે તેની પત્ની અંકિતા ઝાલા બેંકમાં નોકરી કરે છે અને તેની મોટી ઓળખાણ છે. ત્યારબાદ આ દંપતીએ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' યોજના હેઠળ સરકાર 10 કરોડની લોન આપે છે તેમ કહી, તેમાં સેટિંગ કરી આપવાનો વાયદો કર્યો હતો.

આરોપીઓએ લોન અપાવવા પેટે કુલ રકમના 5% કમિશન નક્કી કર્યું હતું, જેમાં અઢી ટકા એડવાન્સમાં માંગ્યા હતા. ફરિયાદીએ તેમની વાતોમાં આવી જઈને જુદી-જુદી તારીખે કલ્પેશના ખાતામાં મોટી રકમ જમા કરાવી હતી. આ ઉપરાંત આરોપીઓએ અન્ય ખર્ચના નામે પણ રૂા. 1,25,૦૦૦ પડાવ્યા હતા. કુલ મળીને ફરિયાદી પાસેથી લાખોની રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ સાત દિવસમાં લોન ખાતામાં આવી જશે તેવો ભરોસો આપ્યો હતો.

સમય મર્યાદા વીતી જવા છતાં લોન ન આવતા અને આરોપીઓ વારંવાર વાયદા કરવા લાગતા ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. અશ્વિનસિંહે પોતાના નાણાં પરત માંગતા આરોપીઓએ માત્ર 2 લાખ રૂપિયા પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂા.25 લાખ ઓળવી ગયા હતા. આખરે ભોગ બનનાર વેપારીએ કલ્પેશસિંહ ઝાલા, અંકિતા ઝાલા અને દિલીપ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)