Wed Aug 19 2026

Logo

ગાંધીધામને સ્માર્ટ સિટી બનાવવા રૂપિયા 55 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, CMના હસ્તે ચેક એનાયત કરાયો

2026-08-12 13:56:36
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. અત્યારે પણ ગાંધીધામ શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસકામો માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાને રૂપિયા 55 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રાથમિક સુવિધાઓ અને વિકાસકામો માટે મળી ગ્રાન્ટ

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવાયેલી આ રકમનો ચેક ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ સહિતના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્વીકાર્યો હતો. 
આ રકમ  ગાંધીધામને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વપરાશે

ગ્રાન્ટની વાત કરવામાં આવે તો, 188 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ અને અંદાજે 6 લાખની વસ્તી ધરાવતા પંચરંગી ગાંધીધામને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં આ રકમ વપરાશે. બીજી તરફ, મહાનગરપાલિકામાં આઉટસોર્સથી રખાયેલા ઇજનેરોની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરને સાચા અર્થમાં સ્માર્ટ બનાવવા માટે તંત્ર દ્વારા અનુભવી અને કાયમી સિટી ઇજનેર તથા સિવિલ ઇજનેરોની નીતિ વિષયક ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)