Thu Sep 17 2026

Logo

ગાંધીધામના મુસ્લિમ અગ્રણીને બદનામ કરવાના ષડયંત્રમાં ત્રણ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

2026-04-23 15:17:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામના મુસ્લિમ અગ્રણીને બદનામ કરવાના ષડયંત્રમાં ત્રણ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

ભુજ: કચ્છના મુસ્લિમ સમાજના જાણીતા અગ્રણીને સોશિયલ મીડિયાના માધ્યમ વડે બદનામ કરી, આર્થિક લાભ ખાટવાના ઇરાદે રચાયેલા કાવતરાના ચકચારી કેસમાં ગાંધીધામની નામદાર કોર્ટે ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી પૈસા પડાવવા માટે કારસો રચાયો હોવાની ફરિયાદ ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. 

ગાંધીધામની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મંજૂર કર્યાં

આ ફરિયાદમાં કુલ 14 શખ્સોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પોલીસે અગાઉ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી.ધરપકડના ડરથી બચવા માટે આ કેસના અન્ય ત્રણ આરોપીઓ ઈશાક જુમા જત, સલીમ આમદ જત અને અદ્રેમાન આદમ હશેન પડિયાર દ્વારા ગાંધીધામની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી. 

આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ એચ.પી.ગઢવી અને એસ.જી. રાણા હાજર રહ્યા હતા, જ્યારે મૂળ ફરિયાદી વતી એડવોકેટ યાકુબ થારાણીએ દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીધામની કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદા બાદ પોલીસ દ્વારા બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)